Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા પ્રોત્સાહન આવકારતા સાંસદ માડમ

જામનગર, તા. ૩ :  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબીનેટ દ્વારા જાહેર કરાયેલા કૃષિ-એમ.એસ.એમ.ઇ. સેકટર અને સ્ટ્રીટ વેન્ડર્સ માટેના પ્રોત્સાહનોને આવકારતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું છે કે ખેતી પ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોને ઉપજના દોઢ ગણા વધુ ભાવ ચુકવાશે, સુક્ષ્મ-લઘુ-મધ્યમ સાહસોને ખાસ પેકેજ અને ફરી કરીને રોજગારી મેળવતા વર્ગને ખાસ લોનની જોગવાઇઓથી સમગ્રપણે રાષ્ટ્રના અર્થતંત્રને વધુ ગતિશીલતા મળી રહેશે અને ખુબ મોટી સંખ્યામાં નાગરિકોને ફાયદો થશે.

કોવિડ-૧૯ ની મહામારી સામેના જંગમાં ભારતની ભવ્ય જીત થાય તે માટે દિર્ધદ્રષ્ટા વડાપ્રધાનના નેજા હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમનજીએ અર્થતંત્રમાં નવાપ્રાણના સંચાર કરવા અને રાષ્ટ્રની વિકાસ યાત્રાને ગતિશીલતા આપવા અગાઉ ખાસ તબક્કા વાર રૂ. ર૦ લાખ કરોડના પેકેજ જાહેર કર્યા છે. જેથી તમામ પ્રકારના ધંધા-ઉદ્યોગ, રોજગારમાં એક નવો સંચાર થયો છે અને રાષ્ટ્ર બહુમુલ્ય સહયોગ સાથે આગળ ધપવા સજ્જ થયુ છે ત્યારે ખાસ કરીને ગરીબો, ખેડૂતો, શ્રમીકો અને મધ્યમવર્ગને કેન્દ્રમાં રાખીને સૌના જીવન સુગમ બને તે રીતેની અનેક વિધ મહત્વની જોગવાઇઓ અને નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિર્ધદ્રષ્ટી ભર્યા નેતૃત્વમાં કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. જેથી અર્થતંત્રને ગતિશીલતા મળશે અને દરેક વર્ગ રાષ્ટ્રની પ્રગતિનો એક મહત્વનો હિસ્સો બની રહેશે તેમ સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. કેન્દ્ર સરકારશ્રીના સતત બીજા કર્યાકાળને એક વર્ષ પૂર્ણ થયા બાદ આ પહેલી કેબિનેટ બેઠક હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં સંકટના સમયમાંથી પસાર થઇ રહેલા વિવિધ ઉત્પાદન સેકટરને ટ્રેક પર લાવવા માટે ર૦ હજાર કરોડ રૂપિયાના લોનના પ્રસ્તાવને મંજુરી મળી હતી.

તેવી જ રીતે એમ.એસ.એમ. ઇ. સેકટરની નવી પરિભાષા નકકી કરાઇ છે. અને આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા આ તમામ સાહસોને ઉગારવા અને ધમધમતા કરવા વિવિધ પેકેજો જાહેર કરાયા છે. તેમજ રેંકડીવાળા, પાથરણાવાળા સહિત સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખાસ લોનની સુવિધા જાહેર કરાઇ છે. તે તમામ નિર્ણયો આવકારદાયક છે.

(11:42 am IST)