Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વરસાદથી માળીયા, મેંદરડા, વિસાવદર, વંથલી સહિતના વિસ્તારોમાં કેરીને નુકશાન

ભારે પવનના કારણે આંબા પરથી કેરી ખરી ગઇ

જુનાગઢ, તા. ૩ : ગઇકાલના વરસાદથી માળીયા, મેંદરડા, વિસાવદર અને વંથલી સહિતના વિસ્તારોમાં કેરીના પાકને વ્યાપક નુકશાન થયું હોવાના અહેવાલ છે.

મંગળવારે ભીમ અગ્યિારસના પાવન દિવસે મેઘરાજાએ શુકનવંતી પધરામણી કરી હતી. બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલ્ટો આવ્યો હતો અને પવન ફૂંકાયો હતો.

ગત સાંજના ૪થી ૬ના બે કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લાના માળીયા-કેશોદ પંથકમાં અઢી ઇંચ, માણાવદર, મેંદરડામાં એક ઇંચ અને વિસાવદર તેમજ વંથલી વિસ્તારમાં અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો.

જુનાગઢમાં માત્ર છાંટા વરસ્યા હતાં અને ઝંઝાવાતી પવનને લઇને દિપાંજલી બસ સ્ટોપ જમીનદોસ્ત થઇ ગયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

પવન સાથે વરસાદ થતાં જુનાગઢ જિલ્લામાં કેરીના અને અઝય પાકને નુકશાન થયું છે ખાસ કરીને આંબાના વૃક્ષ પરથી કેરી ખરી પડતા બાગાયતકારોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે.

જોકે કેસર કેરીની ર૩ દિવસની સીઝનમાં સરેરાશ રૂ.૪૧૦ ભાવ રહ્યો છે. જુનાગઢ યાર્ડમાં આજે પણ કેસર કેરીની ધુમ હરરાજી, આવક અને ખરીદી રહી હતી. સારી કેસર કેરીના એક ૧૦ કિલોના બોક્ષનો ભાવ આજે રૂ. ૬૦૦ની ઉપર રહ્યો હતો.

દરમ્યાનમાં જુનાગઢ સહિતના વિસ્તારોમાં સવારથી એકંદરે સામાન્ય વાતાવરણ પ્રવર્તે છે. ઘલુતમ તાપમાન રપ.૬ ડીગ્રી નોંધાયું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ઝડપ ૪.૩ કિ.મી.ની રહી છે.

(11:37 am IST)