Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કચ્છમાં 'ડ્રગ્સ'નો દરિયોઃ વધુ ૧૪ પેકેટ સાથે ૧૩ દિ'માં જ ચરસના ૫૦ પેકેટ મળ્યા

પંજાબ પછી ડ્રગ્સ માફિયાઓની નજર કચ્છ-સૌરાષ્ટ્રના દરિયા પર, ગુજરાતનો સાગર કાંઠો ડ્રગ્સનો લેન્ડિંગ પોઇન્ટ બને તે પહેલાં એજન્સીઓનું સંકલન રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી

ભુજ, તા. ૩ : પડોશી દેશની ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતમાં ડ્રગ્સ દ્યુસાડવા માટે કચ્છના દરિયાઈ રસ્તા દ્વારા ગુજરાતનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની શંકા હવે વધુ મજબૂત બની છે. પંજાબ પછી હવે જાણે ગુજરાત ડ્રગ્સ સપ્લાયનું હબ હોય તેમ છેલ્લા ૧૩ દિવસથી વિવિધ એજન્સીઓ દ્વારા કચ્છના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ગઈકાલે બીએસએફની ૧૧૮ બટાલિયનના જવાનોએ જખૌ કોટેશ્વર વચ્ચેના દરિયામાં પેટ્રોલિંગ દરમ્યાન કુંડીબેટ અને સિરક્રિક વચ્ચેથી પહેલા ૧૩ પેકેટ અને મોડેથી મોટાપીર પાસેથી ૧ પેકેટ એમ કુલ ૧૪ પેકેટ ચરસ ઝડપી પાડ્યું હતું. લગભગ ૨૧ લાખની કિંમતનો ચરસનો આ જથ્થો નારાયણસરોવર પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મંગળવારે આ જથ્થો ઝડપી પાડ્યાના એક દિવસ અગાઉ જ ૧/૬ ના નેવી ઇન્ટેલિજન્સે બીએસએફના માર્કોસ કમાન્ડો સાથે આ જ દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૯ પેકેટ ઝડપ્યા હતા. એથી અગાઉ ૨૬ મી મે ના બીએસએફ દ્વારા ૧ પેકેટ અને ૨૦ મી મે ના પશ્યિમ કચ્છ પોલીસ દ્વારા ૧૬ પેકેટ એમ ૧૩ દિ' મા જ જખૌ કોટેશ્વર વચ્ચેના કચ્છના દરિયામાંથી ચરસના ઝડપાયેલા પેકેટનો આંકડો અડધી સદી (૫૦) નો થયો છે.

ઝડપાયેલા આ જથ્થાની કુલ કિંમત ૭૫ લાખ રૂપિયા થાય છે. આથી અગાઉ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના જથ્થા સાથે જખૌ ઓખા વચ્ચે ઝડપાયા હતા. આમ, કચ્છના દરિયામાંથી જે માત્રામાં ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે, એ હકીકત ચિંતા પ્રેરક છે.

કચ્છ સૌરાષ્ટ્રના જખૌ ઓખાની સાથે પાકિસ્તાનને પણ જોડતા દરિયાઈ વિસ્તારમાં બંને તરફ માછીમારી કરાતી હોઈ અહીં માછીમારોની અવરજવર વચ્ચે બોટ મારફતે ડ્રગ્સ ઘુસાડવું સહેલું હોઈ હવે ડ્રગ્સ માફિયાઓ અહીંના માછીમારોનો ઉપયોગ પણ કરતા થયા છે.

ત્યારે, ગુજરાતનો સાગર કાંઠો ડ્રગ્સનો લેન્ડિંગ પોઇન્ટ બને તે પહેલાં તમામ સુરક્ષા એજન્સીઓ સંકલન સાધીને કામ કરે તે દેશની સુરક્ષાના હિત માં છે.(૯.૩)

 

(10:40 am IST)