Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કચ્છમાં કોરોનાએ ચોથો ભોગ લીધોઃ વધુ ૨ પોઝિટિવ કેસ સાથે ૮૨ દર્દીઓ

સુરતથી પત્નીનો મૃતદેહ ગાંધીધામ પુત્રો પાસે લઈ આવનાર વૃધ્ધનું મોતઃ છૂટછાટ વચ્ચે કોરોના વળગવાનું અને મોતનું જોખમ યથાવત

ભુજ,તા.૩: સતત ૭૦ દિવસના લોકડાઉન બાદ વધુ છૂટછાટો મળતાં જનજીવન દોડતું થયું છે, પણ હજીયે લોકો ઉપર કોરોના રૂપી બીમારી વળગવાનું અને મોતનું જોખમ યથાવત છે. કચ્છમાં કોરોનાએ ચોથો ભોગ લીધો છે.

ગાંધીધામના સેકટર ૫ માં પ્લોટ નંબર ૨૩૩ માં રહેતા કે.નાગેશ્વર રાવનું કોરોનાથી મોત નીપજયું છે. ૬૦ વર્ષીય આ વૃદ્ઘ ચાર દિ' પૂર્વે પોતાની પત્નીનું અવસાન થતાં સુરતથી પત્નીનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે ગાંધીધામ રહેતા પુત્રો પાસે લઈ આવ્યા હતા.

પત્નીના અંતિમ સંસ્કાર બાદ તેમને તાવ, ખાંસી જેવા લક્ષણો જણાતાં આદિપુર હરિઓમ કોવિડ હોસ્પિટલમાં તેમનું શંકાસ્પદ દર્દી તરીકે સેમ્પલ લેવાતાં કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. આદિપુરમાં સારવાર માટે દાખલ કરાયા બાદ વધુ તબિયત બગડતાં ગઈકાલે ભુજ કોવિડ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.

ડીડીઓ પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે મૃતક વૃદ્ઘ ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની બીમારીથી ઝઝૂમતા હતા. ગઈકાલે જે બે વધુ જણને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો હતો. તે પૈકી એક ગાંધીધામના વૃદ્ઘનું મોત નીપજયું હતું.  તો, અંજારના ખોખરા ગામના કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ ભીખુભા જાડેજાને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર છે. ૫૯ વર્ષીય ભરતસિંહ અંજાર તાલુકા કોંગ્રેસના સક્રિય અગ્રણી છે. તેમને ભુજની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કચ્છમાં અત્યાર સુધીમાં કોરોના ૮૨ જણાને વળગ્યો છે. જે પૈકી ચાર જણા કોરોનાના ખપ્પરમાં હોમાયા છે.

(11:29 am IST)