Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પતિને કોરોના થયો છતાં રજા પાળ્યા વગર સરધારમાં સેવા આપતા ડો. વાસંતીબેન સોલંકી

રાજકોટ,તા. ૨૯: રાજકોટ જિલ્લાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. વાસંતીબેન સોલંકીના પતિને કોરોના થયો હોવા છતાં તેઓ એક પણ દિવસની રજા લીધા વગર તેમની ફરજો નિયમિત બજાવે છે. તેમના ઉપરાંત અન્ય ૧૩ કર્મચારીઓ ઓ.પી.ડી., એન્ટીજન ટેસ્ટ, વેકસીનેશન ઉપરાંત રોજીંદી આરોગ્યલક્ષી કામગીરી સુપેરે સંભાળી રહયા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીને નાથવા માટે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સદ્યન બનાવીને નાગરિકોને કોરોનામુકત કરવાના ભરપુર પ્રયાસો થઇ રહયા છે. રાજકોટ જિલ્લાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૩ કર્મચારીઓ એક પણ દિવસની રજા રાખ્યા વગર સમર્પણભાવે તેમની કામગીરી કરી રહયા છે.

સરધાર આરોગ્ય કેન્દ્ર હેઠળ ૯ સબ સેન્ટર અને ૨૧ ગામડાંઓનો સમાવેશ થાય છે. સરધાર નગરની વસતિ ૮૨૦૦ ની છે, જે પૈકી આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા કોરોના એકિટવ કેસ માત્ર ૭૯ જ છે. મતલબ કે એકિટવ કેસોનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે.

આ કેન્દ્ર ખાતે આજના દિવસે ૧૯૭ ઓ.પી.ડી. નોંધયેલ છે. કુલ ૫૭ વ્યકિતઓને કોરોનાની વેકસીન અપાઇ છે. અને આજે ૧૫૬ એન્ટીજન ટેસ્ટ કરાયા છે, જે પૈકી ૨૯ વ્યકિતઓ પોઝિટિવ જણાતાં તેમને કોરોનાની દવાની અને આઇસોલેશન કીટ આપવામાં આવી છે. આજે પોઝિટિવ આવેલા તમામ દર્દીઓ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા હોવાથી એક પણ દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવાની જરૂર નથી પડી, તેમ ડો. વાસંતીબેને જણાવ્યું હતું.

(3:46 pm IST)