Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ખેડૂતને ડુંગળી વેચાણ પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૧૬: ''ખેડુતને ડુંગળીના વેચાણ પેટે આપેલ રૂ.૭,૦૦,૦૦૦ના ચેક રીર્ટનના કેસમાં ચાલુ ટ્રાયલે કામ લંબાવવા કારણોસર આરોપીને રૂ.૩૦,૦૦૦નો દંડ હળવદની અદાલતે ફટકાર્યો હતો.

ફરીયાદની ટુંક વીગત એવી છે કે આ કામના ફરીયાદી અશોકભાઇ છગનભાઇ ફળદુ તથા મહેશભાઇ માણાવદરીયા અને વિજયભાઇ માણાવદરીયાએ સાથે મળીને ખેતરમાં ડુંગળીનુ ઉત્પાદન કરેલ હતુ. ઉપરોકત વિગતે સંયુકતમાં વાવેતર કરેલ ડુંગળીના પાકનુ વેચાણ હળવદના દલાલ અજયભાઇ આચાર્ય (જલારામ ટ્રાન્સપોર્ટવાળા)મારફત આરોપી જયંતીલાલ રવજીભાઇ પટેલ (તે રવજીભાઇ પટેલ એન્ડ સન્સના પ્રોપરાઇટર દરજજે) ઠે.દુકાન નં.૧૦, મહુવા માર્કટ યાર્ડ, મું.મહુવા, જી.ભાવનગરવાળાને ગુણવતા મુજબ વેચાણ કીંમત નક્કી કરવામાં આવેલ હતી અને આરોપી દ્વારા ફરીયાદી પાસેથી કુલ ૧૩૦૭૭ મણ ડુંગળી, મણના રૂ.૧૫૫ લેખે ખરીદ કરેલ હતી. ડુંગળીના માલની ખરીદી કર્યાના એક માસ બાદ ફરીયાદીને આરોપી પાસે સદર વ્યવહાર પેટે કાયદેસર રીતે લેણી નીકળતી રકમ મળી જશે, તેવુ પાકુ વચન અને વિશ્વાસ આરોપી તરફથી ફરીયાદીને સંપાદીત કરવામાં આવેલ હતું. ફરીયાદીએ ઉપરોકત વીગતે આરોપીને ડુંગળીનો ઉત્પાદીત માલ વેચાણ કરતા, ફરીયાદીને આરોપી પાસેથી સંયુકત રીતે રૂ.૨૦,૨૬,૯૪૦ પુરા લેણા નીકળતા હતા. સદર લેણી રકમ પૈકી રૂ.૭,૦૦,૦૦૦નો ચેક ફરીયાદીના નામનો આપેલ અને તે ચેક રીર્ટન થતા ફરીયાદીએ હળવદના એડી.જયુ.મેજી.જેઠવની કોર્ટ સમક્ષ ફરીયાદ કરેલ.

ત્યારબાદ આરોપી દ્વારા ઉલટ તપાસનો હકક ખોલી આપવા તેમજ સદર કામ અન્ય કોર્ટ સમક્ષ ટ્રાન્સફર કરવા અરજી આપેલ જેમા ફરીયાદી તરફે રોકાયેલ એડવોકેટ અમીત ગડારાએ સદર બંને અરજીનો ઉગ્ર વિરોધ કરેલ તેમજ તે સંદર્ભૃમાં બંને અરજીઓ નામંજુર કરવા તેમજ આરોપીને કામ લંબાવવાના કારણોસર ફરીયાદીને વળતર આપવા તેમજ દંડ કરવાની દલીલો કરેલ હતી. જેમાં કોર્ટએ દલીલો માન્ય રાખી આરોપીની બંને અરજીઓ નામંજુર કરેલ તેમજ રૂ.૨૫૦૦૦ મોરબી જીલા લીગલ એઇડમા તેમજ રૂ.૫૦૦૦ ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો. તેમજ સદર આરોપી વિરૂદ્ધ ચાલતા અન્ય ખેડુતોના કેસોમાં પણ આ જ હુકમ કરેલ હતો. તેમજ હળવદની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ આશરે કુલ ૧૬ કેસો ચાલે છે.

આ કામના ફરીયાદી અશોકભાઇ ફળદુ તરફે પી એન્ડ આર લો ચેમ્બર રાજકોટના વિદ્ધાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના રાજયગુરૂ, અમીત વી.ગડારા, ભાર્ગવ પંડ્યા, કેતન જે.સાવલીયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા, તેમજ હળવદના રવીચંદ્રભાઇ રાવલ રોકાયેલ છે.

(3:57 pm IST)