Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આર્યનગરમાં ઘરનો મોભી ગુમાવનારના બંધ મકાનમાં લાખોની ચોરી

બ્રહ્મક્ષત્રિય પરિવાર ઉપર એક તરફ કુદરત વ્રજઘાત કર્યો બીજી તરફ તસ્કરોએ મકાનમાં ખાતર પાડયું : મકરસંક્રાંતિએ પતંગ ઉડાવીને અગાશીએથી નિચે ઉતરતા પડી જનાર કારખાનેદારના પત્નિ બે પુત્રો સાથે દિયરના ઘેર હતા ત્યારે રોકડા - ઘરેણાની ચોરી :તસ્કરોએ પાડોશીઓના દરવાજાને પણ આગળીયો મારી દીધો'તો

જ્યાં ચોરી થઇ તે બ્રહ્મક્ષત્રિય કારખાનેદારનું મકાન અને તિજોરીમાંથી સામાન વેરવિખેર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬ : સંત કબીર રોડ પર આર્યનગર શેરી નં. ૧૬માં રહેતા કારખાનેદાર ભરતભાઇ ચંદુભાઇ પડીયાનું સંક્રાંતના દિવસે સીડી પરથી પડી જવાથી મૃત્યુ નિપજ્યા બાદ તેમના બાકીના પરિવાર બીજા મકાને હોઇ, પાછળથી બંધ રહેલા મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા ઘરેણા મળી લાખોની મત્તા ચોરી જતા બી-ડીવીઝન પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર આર્યનગર શેરી નં. ૧૬માં કારખાનેદાર ભરતભાઇ ચંદુભાઇ પડીયાના બંધ મકાનમાં તસ્કરોએ ડેલીનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ કબાટમાંથી રૂ. ૫ લાખ રોકડા તથા સોનાનો સેટ, ચેઇન તથા બંગડી મળી અંદાજે લાખોની મત્તા ચોરી ગયા હતા. સંક્રાંતના દિવસે કારખાનેદાર ભરત ચંદુભાઇ પડીયાનું સીડી પરથી પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. ભરતભાઇનો મૃત્યુ બાદ પત્ની વૈશાલીબેન તથા બે પુત્ર હર્ષ (ઉ.વ.૧૭) અને હર્ષીલ (ઉ.વ.૧૩) ત્રણેય મકાનને તાળુ મારીને સંત કબીર રોડ પર રહેતા દિયર કલ્પેશભાઇ પડીયાના ઘરે જતા રહ્યા હતા. દરમિયાન આજે સવારે ૯ વાગ્યે પુત્ર હર્ષ કપડા લેવા માટે ઘરે આવ્યો ત્યારે ડેલીનો નકુચો વળેલો હતો અને અંદર જોતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો ઘરમાં પ્રવેશ કરતા સામાન વેરવિખેર જોતા ચોરી થયાની ખબર પડી હતી બાદ હર્ષે તાકીદે સગા પરેશભાઇને ફોન કરી જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તપાસ કરતા કબાટમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ અને ઘરેણા ગાયબ હતા. બાદ તાકીદે બી-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ પી.બી.જેબલીયા તથા વિરમભાઇ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ કરતા કેટલાક ઘરેણા મળી આવ્યા હતા. પોલીસે મકાનની બાજુમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રે માથે ટોપી મોઢા પર મફલર જેવું અને જાકીટ પહેરેલા બે શખ્સો દેખાયા હતા અને બંને શખ્સો બાઇક પર આવ્યા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.(૨૧.૩૮)

(3:40 pm IST)