Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

'નીયો' સંગીતોત્સવે સ્મૃતિ રણઝણાવી

વર્ષો પૂર્વે સંગીત સભા, સંગીત સૌરભ, સ્પીક મેકેએ દિલ જીત્યા હતા : કૌશિક સિંધવે સ્મરણના સૂર વહાવ્યા

તા. ૩થી ૯ જાન્યુ. દરમિયાન સંગીતના સપ્તર્ષિઓના રજુ થયેલ (હે.ગ.ગૃહમાં) કાર્યક્રમના પ્રથમ તથા અંતિમ દિવસના કલાકારો સાજન-માજન તથા વિદ્યા તથા અભિમન્યુલાલ જોઇ શકાય છે. ત્રીજા વર્ષનો આ સપ્ત સંગીતિ કાર્યક્રમ નીઓ ફાઉ.ના સાત પીલર્સ સર્વશ્રી પરાક્રમસિંહ જાડેજા, અરવિંદભાઇ પટેલ, મુકેશ શેઠ, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરીયા તથા દિપકભાઇ રીંડાણી અને આ સર્વેની સન્નિષ્ઠ ટીમ દ્વારા અત્યંત સફળ રહ્યો.

રાજકોટ : Histry repeats itself આ સિદ્ધાંત ભૂતકાલિન ઘણી ઘટનાઓને તાજી કરાવી જતો હોય છે. Music is the Mediator between the spiritual & the Sensual life આવા સંગીતપ્રિય રંગીલા રાજકોટના પ્રજાજનોને નીચો ફાઉન્ડેશન જેવા દિલો-દિમાગે બળુકા જુથે, શાસ્ત્રીય સંગીતના સમૃદ્ધ સાધકોની સાધનાનો અલૌકિક આસ્વાદ કરાવ્યો. તેના મુખ્ય પ્રયોજકો સાત, કાર્યક્રમ પણ સાત દિવસનો અને તેમા સંગીત પીરસનાર મુખ્યતઃ સાધકો પણ સાત. આ ત્રણ સપ્તકના સાત સૂરોના સુયોગે કદાચ કાર્યક્રમનું નામ સર્જાયુ હશે 'સપ્ત સંગીતિ'. સેલ્યુટ પ્લીઝ !!

આ જાજરમાન સંગીત મહોત્સવ, જૂની પેઢીના વિદ્યમાન સંગીતજ્ઞો, તેના ભાવકોને અતિતના આવા જ સાંગીતિક જુથ અને તેના આવા જ કાર્યક્રમોની સ્મરણ યાત્રા કરાવી ગયો. પાંચેક દાયકાઓ પહેલાના સમયેના રાજકોટના કલા અને કલદાર સમ્પન શ્રેષ્ઠીઓ દ્વારા એક 'સંગીત સભા' ગ્રુપનું ગઠન થયુ હતું. જેના અગ્રીમ પ્રણેતા હતા બે ઉદ્યોગપતિઓ, ગુલાબભાઈ પારેખ તથા ઉમાકાંતભાઈ પંડિત. આર્થિક સમૃદ્ધ એવા આ બન્ને, કાર્યક્રમ ખર્ચ, ખુલ્લા દિલે ઉપાડી લેનાર કલા રક્ષક તેમજ તેના મિમાંશુ હતા. આકાશવાણીના ચંદ્રકાંત ભટ્ટ તેમજ ઉસ્તાદ (સારંગી ?) સુલ્તાનખાં તેના ખાસ સાથી બન્યા અને એ સાથે જોડાયા હતા પિયાનો સ્ટાર કાંતિભાઈ સોનછત્રા, સુગમ ગાયક વિનુભાઈ વ્યાસ, સંગીત વાહક અને પોષક ઉદ્યોગપતિ ભાઈઓ નાનુભાઈ તથા અનિલ ખંભાયતા વિ..વિ...આ સૌ કાર્યક્રમ આયોજનના 'બીહાઈન્ડ ધી કર્ટન પર્સનાલીટી' તરીકે સઘળો કાર્યભાર સંભાળતા.

એ સમયે રાજકોટની જન સંખ્યા પાંખી હતી. દરજ્જાયુકત કાર્યક્રમ માટેના હોલ કે થિયેટરો પણ યોગ્ય સુવિધા વિહિન હોવા છતાં તેને કાર્યક્રમ યોગ્ય કરાવી કાંતો કાઠિયાવાડ જીમખાના અને ખાસ કરીને વિરાણી હાઈસ્કૂલના પ્રાર્થના હોલમાં પ્રયોજાતા તેના સંગીત કાર્યક્રમો, સંગીત સભાને સ્ટાર્ટ-અપ કરાવનાર ગુલાબભાઈ તથા તેના થોડા સાથીઓના દેહાવસાન થતા 'સભા'માં થોડા વર્ષોનો પોઝ સર્જાયો. આ ખાલીપા વચ્ચે અને પૂર્વે પણ રાજકોટના સંગીતવિદ્દો.

અમુભાઇ દોશી, લક્ષ્મીકાંત દોશી, કલ્યાણદાસ રાઠોડ, જયંતિ પટેલ, ઇસ્માઇલ વાલેરા, જયશ્રી ગજ્જર તથા ઉષા ચિનોય, આ સર્વેનું સંગીત યોગદાન સ્થાનિક પ્રજાજનો સમક્ષ પ્રસંગોપાત પ્રયોજાતું રહેતું. ખાસ કરીને હરિકાંતભાઇ સેવક નવી સંગીત પ્રતિભાઓને તૈયાર કરી તેની તક પુરી પાડવા સતત સક્રિય રહેતાં.

જો કે પછીથી ''સંગીત સભા''ના પોઝને ''ડીસ્પોઝ'' કરવા, ગુલાબભાઇના નાનાભાઇ, નાનુભાઇ થોડા સંગીત સાથીઓના સથવારે ''સંગીત સૌરભ''ના નવા બેનરો, સંગીત સભાની પરંપરાને સહજતાપૂર્વક-વર્ષા સુધી આગળ ધપાવ્યે રાખવા હૃદયસ્થ પ્રયાસો કરતાં રહયાં. જે માટે તેને ગીરધરભાઇ પંચાસરા તેમજ ધીરૂભાઇ ધામેલીયાનો હુંફાળો સાથે મળ્યો હતો.

આ બંને બેનરોએ અંદાજીત પંદર-વીસ વર્ષ દરમ્યાન પં. રવિશંકર, ગુલામ મુસ્તફા, નિખિલ બેનર્જી, આશા ભોંસલે, શામશાદ બેગમ, જગજીતસિંહ, બિરજુ મહારાજ જેવા ગુરૂશિખર સમ સંખ્યાબંધ સંગીત-નૃત્ય, કુબેરોનો, રાજકોટના સંગીત પિયાસુઓને રસાસ્વાદ કરાવ્યો હતો. પરંતુ જેનો સમય ચરમે હોય, તેનો અંત પણ હોય જ!! ત્યારબાદના તબક્કે મુંબઇની ''સ્પીક મેકે'' ફેડ ઇન થઇ નાનુભાઇ જેવાઓના સહયોગે રાષ્ટ્રીય સંગીતજ્ઞોનો લાભ રાજકોટને થોડા વર્ષો સુધી આપ્યો. આમ, સાથીઓના સ્નેહાળ સથવારે બંને પારેખ બંધુઓએ ઝવેરચંદ મેઘાણીની જીનેટીક વારસાઇનો (ભાણેજ સંબંધે) સાક્ષાત્કાર કરાવ્યો તેમ શું ન કહી શકાય?

ત્રણ જ વર્ષ પહેલાં તન, મન અને ધનના ધની એવાં થોડા ઉદ્યોગપતિ મિત્રો, નીઓ ફાઉ.નું સ્થાપન કરી તેઓ તથા લોકોની સંગીત પ્યાસ બુઝાવવા શરૂ કર્યા સંગીત-નર્તનના જલ્સા, And So histry repeats it self once again  કોઇપણ ઋણભાર રાખ્યા વિના કાર્યક્રમ ખર્ચ માટે ભામાશા બની રહેનાર આ મિત્રોએ ''ધન દે તો તેના ઉપયોગની સમજ પણ દેજે'' ની જાણીતી ઉકિતની યાદ અપાવી દીધી. આ ત્રીજા વર્ષના સાત દિવસોના કાર્યક્રમોમાં શાસ્ત્રીય સંગીત-નર્તન વિ.ના બુલંદ કલાધરોની કલા પીરસાવડાવી રાજકોટીયનોને ધરવી દીધા. સંગીત લાઇટ, સાઉન્ડ, હોલ અને સ્ટેઇજના સાયકલો સાતેય સ્ક્રીનના દ્રશ્યો- આ સર્વેમાં અત્યંત આધુનિક ટેકનીકાલીટીનો સૂઝભર્યો ઉપયોગ સાતેય કાર્યક્રમ સ્તરને ખુબ જ ઉંચાઇ આપી શકી. એટલું જ નહીં કાર્યક્રમની ઉત્તમોતમ રજુઆત માટે જરૂરી સજાગતા (પ્રેક્ષકોની હોલમાં એન્ટ્રીથી છેલ્લે એકઝીટ થાય ત્યાં સુધીની) વિચારતા કરી મુકેે તેવી હતી. કાર્યક્રમ બાદ ૧૫૦૦ પ્રેક્ષકો માટે નિઃશુલ્ક નાસ્તો તેમજ આમંત્રણ કાર્ડ પરનું ''નીઓ''નું ટે સૂત્ર ''TOGETHER WE MAKE RAJKOT GRATES '' નો વિચાર નીઓના સૌ માટે આદરનો આર્હિભાવ ઉપજાવી ગયો. માટે સંગીત અને ''નીઆ''ની જય હો!!

: આલેખન :

કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(9:36 am IST)