Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જો કોરોનાગ્રસ્તનું મૃત્યુ નિપજે તો કઇ રીતે અંતિમવિધી કરવી? તેની સિવિલ હોસ્પિટલમાં સેમિનાર યોજાયો

સિવિલ તથા ક્રાઇસ્ટ હોસ્પિટલનો મેડિસિનનો સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, પોલીસ સ્ટાફ, સ્મશાનો અને કબ્રસ્તનના કર્મચારીઓની હાજરીઃ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, આરએમઓ ડો. એમ. સી. ચાવડા અને ડો. આરતીબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું : ડેડબોડીને કવરમાં પેક કરીને અપાશે, કવર સાથે જ અંતિમવિધી કરવાની રહેશેઃ વધુમાં વધુ ૪ સ્વજનો સાથે જઇ શકશેઃ ડેડબોડીને અડી શકશે નહિ

રાજકોટ તા. ૧૦: કોરોનાની મહામારીમાં દુનિયાભરમાં અનેકનો જીવ લેવાઇ ગયો છે. રાજકોટમાં પણ કોરોના પોઝિટિવ ધરાવતાં દર્દીઓની સંખ્યા ૧૮ થઇ ગઇ છે. જો કે કોઇ દર્દીનું મોત નિપજ્યું નથી. આમ છતાં જો કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજે તો તેની અંતિમવિધી કઇ રીતે કરવી? શું શું તકેદારીઓ રાખવી? કેવા નિયમો પાળવાના? તે સહિતની સમજ આપવા માટેનો એક સેમિનાર આજે સિવિલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. જેમાં તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, આર.એમ.ઓ. ડો. એમ. સી. ચાવડા, મેડિસિન વિભાગના ડો. આરતીબેન ત્રિવેદી તથા મેડિસિન વિભાગનો બીજો સ્ટાફ, કોરોના વોર્ડના કર્મચારીઓ તેમજ ક્રાઇસ્ટ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ ઉપરાંત શહેરના તમામ સ્મશાનગૃહના કર્મચારીઓ, કબ્રસ્તાનોના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ આ સેમિનારમાં જોડાયો હતો. જો કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ નિપજે તો તેની અંતિમવિધી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને નિયમો સમજાવાયા હતાં.

દર્દીનું મૃત્યુ થાય તો તેને બીજાને ચેપ ન લાગે તે પ્રકારના ખાસ કવરમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પેક કરવામાં આવશે. જેમાં ફાયર બ્રિગેડની ટીમ મદદ કરશે. એ પછી મૃતદેહને અંતિમવિધી માટે સ્મશાન ગૃહ કે કબ્રસ્તાન લઇ જવા માટે ફાયર બ્રિગેડની બે ગાડી આવશે. જેમાં એક ગાડીમાં મૃતદેહ રખાશે અને બીજી ગાડીમાં મૃતકના વધુમાં વધુ ચાર સ્વજનો હશે. તેઓ મૃતદેહને અડી શકશે નહિ. મૃતદેહ લઇ જનારા સ્ટાફને પણ ખાસ પ્રકારના રક્ષણાત્મક પોષાક પહેરાવવામાં આવશે. આરોગ્ય વિભાગે કરેલા સુચનો અંતર્ગત આ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

(4:04 pm IST)