Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

તંત્ર ખોટા તાબોટા પાડે છે, યોગ્ય આયોજનથી આખા રાજકોટમાં સહેલાઇથી દવાઓ મળી શકે

તંત્રના અણધડ વહીવટને કારણે લોકડાઉનનો ચુસ્ત અમલ ન થતો હોવાનો આક્રોશ વ્યકત કરતા કેમીસ્ટ એસો.રાજકોટના પ્રમુખ મુયરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇ : રાજકોટમાં દરેક વોર્ડ દીઠ ૩૦ થી ૩પ એલોપેથિક મેડીકલ સ્ટોર્સ છેઃ દરેક લોકોને સાવ નજીકમાં જ દવાઓ મળી રહે તેમ છે. : લોકો દવા લેવાના બહાને લટાર મારવા ન નિકળી શકે તથા લોકડાઉનનું ચુસ્ત પાલન પણ થાયઃ તંત્રની મહેનત પણ ઘટી જાય : રાજકોટની ૧૮ લાખની વસ્તીમાં 'ફ્રી હોમ ડીલીવરી' માટે હાલમાં માત્ર પાંચ મેડીકલ સ્ટોર્સ ઘણા ઓછા કહેવાય

રાજકોટ, તા. ૧૦ :  કોરોના તથા લોકડાઉન સંદર્ભે હાલમાં રાજકોટમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે તંત્ર કટીબધ્ધ છે ત્યારે લોકો દવા લેવાના બહાના હેઠળ બહાર લટાર મારવા નીકળતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. જો કે આ બાબતની ગંભીર નોંધ લઇ બે દિવસ પહેલા તંત્ર દ્વારા પાંચ એલોપેથિક દવાઓ વેચતા મેડીકલ સ્ટોર્સના નામ જાહેર કરવામાં આવ્યા છે કે જેઓ દર્દીઓને ઘરે દવા પહોંચાડી આપશે. તંત્ર દ્વારા આ સમાજોપયોગી નિર્ણય કરવામાં આવ્યો છે.

પરંતુ રાજકોટની ૧૮ લાખ જેટલી વસ્તીના પ્રમાણમાં માત્ર પાંચ મેડીકલ સ્ટોર્સ દવાની ફ્રી હોમ ડીલીવરીમાં સમયસર ન પહોંચી શકે તેવી સંભાવના દેખાઇ રહી છે. આ બાબત સંદર્ભે કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇ એ આજે અકિલાને જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા સિસ્ટમેટીક આયોજન કરવામાં આવે તો લોકોને દવા માટે દૂર જવાની જરૂર જ ન પડે અને સાથે-સાથે લોકડાઉનનું પણ ચુસ્તપાલન થઇ શકે. તંત્ર દ્વારા અણઘડ વહીવટ તથા સંકલનનો અભાવ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી તંત્ર દ્વારા જાહેર કરાયેલા મેડીકલ સ્ટોર્સને ફ્રી હોમ ડીલીવરી કરવા કહ્યું છે. પરંતુ જે તે મેડીકલ સ્ટોર ઉપર જ લોકોના ટોળા ભેગા થતા હોય અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું યોગ્ય પાલન ન થતું હોય તેવું પણ સાંભળવા અને જોવા મળે છે.

ધારો કે કોઇ દર્દી રાજકોટના છેવાડાના વિસ્તારમાં રહેતો હોય અને તેને દવાની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ તો તે તંત્ર દ્વારા નોંધાયેલ મેડીકલ સ્ટોરમાં ફોન કરે તો તેને નોંધાયેલ મેડીકલ સ્ટોર ઉપરના વધુ ભારણને કારણે,  સ્ટાફના અભાવે, વાહનના અભાવે કદાચ સમયસર દવા ન પણ મળે.

માટે તંત્ર દ્વારા દવાની સુવ્યવસ્થિત ચેનલ ગોઠવવા તથા લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરાવવા અને લોકોને સમયસર ઘર બેઠા દવાઓ મળી રહે તે માટે ઙ્ગકેમીસ્ટ એસોસીએશન રાજકોટનો સહયોગ લેવો જોઇએ તેવું મયુરસિંહ જાડેજા તથા અનિમેષ દેસાઇએ આજે જણાવ્યું હતું.

દરેક વિસ્તારના ડોકટર્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય તે બધી જ દવા કદાચ હાલમાં પસંદ થયેલા મેડીકલ સ્ટોર્સ ઉપર ન પણ મળે તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી હતી.   કેમીસ્ટ એસોસીએશન રાજકોટના તલસ્પર્શી વિશ્વલેક્ષણ પ્રમાણે રાજકોટના મોટાભાગના તમામ વોર્ડમાં વોર્ડ દીઠ ૩૦ થી ૩પ એલોપેથીક મેડીકલ સ્ટોર્સ આવેલા છે. આ બધું જોતા તંત્ર ખોટા તાબોટા પાડે છે. જો તંત્ર યોગ્ય આયોજન કરે તો સમગ્ર રાજકોટને સહેલાઇથી દવાઓ મળી શકે તેવું કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇએ અંતમાં અકિલાને જણાવ્યું હતું.

(4:02 pm IST)