Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

શહેરના પછાત સ્લમ વિસ્તારમાં મેડીકલ કેમ્પ યોજોઃ ગાયત્રીબા

રાજકોટ, તા., ૧૦:  શહેરમાં કોરોના પોઝીટીવ કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઇ શહેરનાં પછાત અને સ્લમ વિસ્તારમાં તાકીદે મેડકીલ ચેકઅપ કરવા પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૩ના  કોંગી કોર્પોરેટર ગાયત્રીબા દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતંુ કે સમગ્ર રાજયમાં છેલ્લા દિવસોથી કોરોના પોઝીટીવની સંખ્યા વધવા પામી છે. હાલ સખત લોકડાઉન હોવા છતા લોકલ ટ્રાન્સમીશનના કારણે કેસોમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ત્યારે શહેરના પછાત સ્લમ અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં મ.ન.પા. દ્વારા આરોગ્યને લગતી કોઇ મહત્વની કામગીરી નહી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે કયાંક છુટા છવાયા વિસ્તારોમાં ફોગીંગના ધુમાડા સિવાય વિશેષ કાર્યવાહી થઇ હોય તેવું દેખાતું નથી. સ્લમ અને પછાત તેમજ આજી નદીનાં છેવાડાના વિસ્તારોમાં તેમજ શહેરનાં મોટા વોંકળાઓની આજુબાજુના વિસ્તારોમાં આજે પણ એટલી જ ગંદકી જોવા મળે છે. ત્યારે આ વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવા આવા વિસ્તારોને અને ખાસ કરીને જયાં ઝુંપડપટ્ટી અને વસ્તીની દ્રષ્ટિએ ગીચતા વધારે છે. તેવા વિસતારોમાં ફોગીંગની સાથે સાથે ડીડીટી પાવડરનો છંટકાવ અને સંપુર્ણ સેનીટાઇઝેશન કરવામાં આવે તેની સાથે સાથે આરોગ્ની અલગ અલગ ટીમો બનાવી શહેરના આવા પછાત સ્લમ અલગ અને વસ્તીની દ્રષ્ટિએ ગીચતા ધરાવતા વિસ્તારોમાં ડોર ટુ ડોર મેડીકલ ચેકઅપ કરવામાં આવે અને આની સંપુર્ણ વિગતો પણ ક્રમશઃ જાહેર કરવામાં આવે.

 જો આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે તો જ હવે પછીના તબક્કામાં જે લોકલ ટ્રન્સમિશનના કારણે આ રોગચાળો વધુ વકરવાની દહેશત છે તેની સામે નક્કર કામગીરી થઇ શકશે અને આ પ્રકારના પોઝીટીવ કેસોને શોધી આ પ્રકારના વિસ્તારોને શોધી સંપુર્ણ કોરોનટાઇન કરી શકાશે. અંતમાં ગાયત્રીબાએ શહેરના પછાત વિસ્તારોમાં આરોગ્ય, ફોગીંગ સહીતના પ્રશ્રાો હંગે યોગ્ય કરવા માંગ કરી છે.

(3:11 pm IST)