Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગામડાઓમાં લોકોના સંપર્કમાં રહેતા ધંધાદારીઓ માટે માસ્ક ફરજિયાત

દુકાનદારો, ફેરિયાઓ, કર્મચારીઓ વગેરે માટે ડી.ડી.ઓ.ની સૂચના : જિલ્લા પંચાયતે ૩૩૦૦૦ માસ્ક તૈયાર કરાવ્યાઃ ગ્રામ પંચાયતોમાં વિતરણ

રાજકોટ, તા. ૧૦ :. જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર લોકોના સંપર્કમાં આવતા ધંધાદારીઓ અને કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો છે. કર્મચારીઓને પંચાયત તરફથી માસ્ક અપાશે. અન્ય લોકોને માસ્ક સરળતાથી વેચાણથી મળી શકે તે માટે પંચાયત દ્વારા માસ્ક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાશે. જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળોના માધ્યમથી અત્યાર સુધીમાં ૩૩૦૦૦ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જરૂર પડે તો વધુ માસ્ક તૈયાર કરાશે.

ડી.ડી.ઓ.એ તમામ ટી.ડી.ઓ.ને પત્ર લખ્યો છે કે હાલની પરિસ્થિતિમાં અમુક લોકો જેમ કે ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીઓ, સસ્તા અનાજના દુકાન ધારકો, કરીયાણાની દુકાન ધારકો, દૂધના ફેરીયા / ડેરીધારકો, શાકભાજી લારીવાળા / દુકાનધારકો, મેડીકલ સ્ટોર્સ સંચાલકો, સફાઈ કામદારો, ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા હોમગાર્ડ / પોલીસ મિત્રો, જીવન જરૂરી માલસામાનની હેરફેર કરતા લોકો, ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલ પંપ ધારકો, ગ્રામ્ય વિસ્તારમાં ગેસ સિલીન્ડર વિતરણ કરતા લોકો વિગેરે દિવસ દરમ્યાન ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે. જેથી તેઓ તમામ માસ્ક પહેરે તથા પોતાના હાથને વારંવાર સાબુ-પાણીથી ધોવે / સેનીટાઈઝરથી સેનીટાઈઝ કરે તે સુનિશ્ચિત કરવુ જરૂરી જણાય છે. દરેકને ગ્રામ્ય સ્તરે રીયુઝેબલ માસ્ક (કાપડનું વોશેબલ માસ્ક)ની એક જોડી નંગ ૨ (બે) તથા સાબુ / સેનીટાઈઝર પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

(1:07 pm IST)