Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અલ્કા સોસાયટીમાં કારખાનેદારના મકાનમાં લાખોના ઘરેણાની ચોરી

વહેલી સવારનો બનાવ : પુત્ર સાયકલીંગ કરવા ગયાને તસ્કરો કળા કરી ગયા

જયાં ચોરી થઇ તે મકાન બાજુમાં ખુલ્લો કબાટ અને મકાન માલીક નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૬: માલવીયાનગરમાં આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા કારખાનેદારના મકાનમાં તસ્કરો વહેલી સવારે ત્રાટકી લાખોના ઘરેણા ચોરી જતા માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી અલ્કા સોસાયટમાં શેરી નં. ૭/૧ના ખૂણે રહેતા અને મશીનરીના પાર્ટસનું કારખાનું ધરાવતા નિલેશભાઇ દેવકરણભાઇ ઢોલરીયા (ઉવ. ૪૬) વહેલી સવારે પોતાના ઘરે હતા અને તેના પત્ની બાથરૂમ ગયા હતા અને તેનો પુત્ર સાયકલીંગ કરવા માટે પોતાની સાયકલ લઇને નીકળ્યો ત્યારે દરવાજો અટકાવ્યો હતો.

બાદ કોઇ અજાણ્યા શખ્સને ઘરમાં પ્રવેશ કરી ઉપરના રૂમમાં રાખેલ કબાટ ખોલી તેમાંથી ઘરેણાની ચોરી કરી નાશી ગયો હતો. પત્ની બાથરૂમમાંથી બહાર નીકળી મુખ્ય દરવાજો ખુલ્લો જોતા ઘરમાં કોઇ આવ્યુ હોવાની શંકા જતા તેણે તાકીદે ઉપર ગયા ત્યારે રૂમમાં સામાન વેરવિખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડતા તેણે તાકીદે પતિ નિલેશભાઇને જાણ કરી હતી. બાદ નિલેષભાઇએ માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પીઆઇ કે.એન. ભુકણ તથા પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, રોહીતભાઇ સહિતે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન તસ્કરો દસ તોલા સોનાના ઘરેણા ચોરી ગયાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે એએસઆઇ ગીતાબેન પંડ્યાએ સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(4:01 pm IST)