Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રૈયાનાકા ટાવર પાસે ટુવ્હીલરમાં પંચર કરાવવા બાબતે મારામારી થતાં પાંચ ઘવાયા

સુભાષભાઇ તેના ભાઇ જીતેન્દ્રભાઇ પુત્ર ભૂમિત અને સામાપક્ષે કમલેશભાઇ તેનો પુત્ર રીપલ સારવારમાં

રાજકોટ તા. ૬ : રૈયાનાકા ટાવર પાસે ટુવ્હીલરમાં પંચર કરાવવા બાબતે દુકાન માલીક અને ગ્રાહક વચ્ચે મારામારી થતા પાંચ વ્યકિતને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતા સુભાષભાઇ મુળજીભાઇ કારીયા (ઉ.૬૨) તેના નાના ભાઇ જીતેન્દ્રભાઇ કારીયા (ઉ.૫૦) તેનો પુત્ર ભૂમિત જીતેન્દ્રભાઇ કારીયા (ઉ.૨૫) ગઇકાલે રૈયા નાકા ટાવર પાસે આવેલી પોતાની પંચરની દુકાને હતા ત્યારે એક શખ્સ પોતાના ટુવ્હીલરમાં પંચર કરાવવા માટે આવ્યો હતો ત્યારે પંચર કરવામાં વાર લાગશે તેમ જીતેન્દ્રભાઇ કારીયાએ તેને કહેતા તે શખ્સે ઉશ્કેરાઇને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. બાદ તેણે તેના પિતાને ફોન કરીને બોલાવી બંને ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન સુભાષભાઇ અને ભૂમિત વચ્ચે પડતા બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી અને જીતેન્દ્રભાઇને બંને હાથમાં ફ્રેકચર જેવી તથા તેના મોટાભાઇ સુભાષભાઇને નાકના ભાગે અને ભૂમિતને સામાન્ય ઇજા થતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે સામાપક્ષે જયુબેલી ચોક ગલાવાળી શેરીમાં રહેતા કમલેશભાઇ ચંદુભાઇ મુલતાણી (ઉ.૪૦) અને તેનો પુત્ર રીપલ કમલેશભાઇ મુલતાણી (ઉ.૨૦) પર પણ છરી અને પાઇપથી હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રવીભાઇ તથા હરવિજયસિંહે તપાસ હાથ ધરી છે.

(2:36 pm IST)