Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

આજથી રાજકોટ જિલ્લાના ૫ હજાર શિક્ષકોને કોરોના વેકસીન અપાશે

શિક્ષકો ઉપરાંત તલાટી - હેલ્થવર્કર - પોલીસ સહિત તમામને આવરી લેવાશે : ત્રીજા તબક્કા અંગે હાલ કોઇ સૂચના નથી

રાજકોટ તા. ૬ : રાજકોટ શહેર - જિલ્લામાં હાલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ટીમો દ્વારા કોરોના સામે વેકસીન ઝુંબેશ ચાલી રહી છે, વેકસીન લીધા બાદ કોઇને આડઅસર પણ નથી, બીજા તબક્કબામાં ૫૦થી ઉપરની વ્યકિતને આવરી લેવાનાર છે.

દરમિયાન આજથી રાજકોટ જિલ્લાના જિલ્લા પંચાયત હેઠળના ૫ હજાર શિક્ષકોને દરેક તાલુકાની હોસ્પિટલ - આરોગ્ય કેન્દ્રો પર કોરોના વેકસીન આપવાનું શરૂ કરાયું છે.

આ અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, સોમવારથી નહિ આજથી જ કોરોના વેકસીન આપવાનું ફાઇનલ કરી ૫ હજાર શિક્ષકોની યાદી બનાવી લેવાઇ છે અને ૧૦૦ - ૧૦૦ની બેચમાં દરેક શિક્ષકોને SMS દ્વારા કયારે વેકસીન દેવા આવવાનું છે તે પણ જાણ કરાઇ છે.

શ્રી ભંડેરીએ ઉમેર્યું હતું કે, શિક્ષકો ઉપરાંત આજે હેલ્થ વર્કરો, પોલીસ, તલાટીઓ વિગેરે પણ વેકસીન માટે આવી શકે છે.

દરમિયાન રાજકોટમાં સરકારી શિક્ષકોને કોર્પોરેશન દ્વારા રસીકરણ કરાશે, આ માટે કોર્પોરેશન દ્વારા SMS કરાશે.

માર્ચમાં ત્રીજો તબક્કો આવશે કે કેમ તે અંગે તેમણે જણાવેલ કે, હજુ સુધી આરોગ્ય ખાતા તરફથી કોઇ સૂચના અપાઇ નથી અને તે અંગે કોઇ સૂચના પણ નથી.

(11:26 am IST)