Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કર્ણાટક : અસંતુષ્ટોને મંત્રી પદ આપવા માટેની ખાતરી

૧૮મી જાન્યુઆરીના દિવસે ધારાસભ્યોની બેઠક : બે અપક્ષોએ સમર્થન ખેંચી લીધા બાદ કોંગ્રેસ પાર્ટી પણ એક્શનમાં : પોતાના સભ્યોની નારાજગી દૂર કરવા પ્રયાસો

બેંગ્લોર, તા. ૧૬ : કર્ણાટકમાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે કોંગ્રેસે ૧૮મી જાન્યુઆરીના દિવસે પોતાના ધારાસભ્યોની બેંગ્લોરમાં બેઠક બોલાવી છે. આ ઉપરાંત પાર્ટીએ નારાજ થયેલા ધારાસભ્યોને મનાવી લેવા માટે તેમને મંત્રી બનાવવા માટે ખાતરી પણ આપી છે. બે અપક્ષ ધારાસભ્યો દ્વારા કુમારસ્વામી સરકારને ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી ફરી સક્રિય બની ગઈ છે અને પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવાના પ્રયાસો શરૂ કરાયા છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ આજે કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક યોજી હતી અને વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. કોંગ્રેસના સાંસદ કેએચ મુનિઅપ્પાએ અસંતુષ્ટ ધારાસભ્યોને ખાતરી આપી હતી કે, આગામી કેબિનેટ વિસ્તરણમાં તેમને તક આપવામાં આવી શકે છે. મુનિઅપ્પાએ કહ્યું હતું કે, જે લોકો અન્ય છાવણીમાં જતા રહ્યા છે તેમને પરત લાવવાના પ્રયાસ કરવામાં આવશે. બીજી પેઢીના જે કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી જીતી છે તેમને બિનસુરક્ષિતરીતે અનુભવ કરવાની જરૂર નથી. રાહુલ ગાંધી અને વેણુગોપાલ ફરિયાદોને લઇને વાકેફ છે. આગામી કેબિનેટ વિસ્તરણમાં તક આપવામાં આવશે. બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ કર્ણાટકમાં રાજકીય હલચલ વધી ગઈ છે.

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા પહોંચેલા કર્ણાટકના પાર્ટી ધારાસભ્ય અધિવેશન પૂર્ણ થયા બાદ વતન રાજ્ય પરત ફર્યા નથી. ભાજપના ધારાસભ્યો ગુડગાંવની એક હોટલમાં રોકાયેલા છે. બે અપક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ કોંગ્રેસ પાર્ટી પણ એક્શનમાં છે. તેમના ધારાસભ્યોને મુંબઇની એક હોટલમાં લઇ જવાયા છે. બે અપક્ષોએ ટેકો પાછો ખેંચતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં સરકાર બનાવી શકી નથી. બહુમતિના થોડાક આંકડાથી ભાજપ દૂર રહી જતાં સરકાર બનાવવાથી વંચિત રહ્યું હતું.

(7:38 pm IST)