Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શહેર ભાજપની સર્જીકલ સ્ટ્રાઈક

વોર્ડ નં. ૧૩ની પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોળીયાનો ધડાકોઃ ભાજપમાં જોડાયાઃ ધનસુખભાઈ ભંડેરી - નિતીનભાઈ ભારદ્વાજ - કમલેશ મીરાણી અને વિજયસિંહ વાળાએ ચાર દિવસની મહેનત બાદ ઓપરેશન પાર પાડયુઃ પેટા ચુંટણીમાં ભાજપ બિનહરીફ વિજેતા થાય તેવા ઉજળા સંજોગો

રાજકોટ તા.૧૬ : અહિના વોર્ડ નં.૧૩માં આગામી પેટા ચુંટણીના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરેશ પટોરીયાએ ભાજપમાં પ્રવેશ કર્યો હોવાની સત્તાવાર જાહેરાત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કરતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને પેટા ચુંટણીમાં જબરો અપસેટ તેમજ ઈતિહાસ સર્જાયો છે. આ અંગેની વિગતો મુજબ શહેરના વોર્ડ નં.૧૩માં આગામી તા.૨૭મીએ પેટા ચુંટણી યોજાનાર છે.  જેમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે લેઉવા પટેલ અને શિક્ષક એવા નરશીભાઇ પટોરીયાને શહેર કોંગ્રેસે જાહેર કર્યા હતા અને ફોર્મ ભરાવ્યુ હતુ. આ દરમ્યાન વોર્ડ નં.૧૩ના સ્થાનીક આગેવાન વિજયસિંહ વાળા અને ગુજરાત રાજયના મ્યુ.ફાઇનાન્સ બોર્ડના  ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ આગેવાન અને સીનીયર કોર્પોરેટર નિતીન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ છેલ્લા ચાર દિવસથી નરેશભાઇ પટોરીયા સાથે બેઠકો યોજી અને તેઓને ભાજપમાં પ્રવેશ માટે રાજી કરી લીધાનું તેમજ આજે તેઓ પોતાનુ ફોર્મ પરત ખેંચી રહ્યાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જાહેર કર્યુ હતુ. આ લખાય છે ત્યારે શહેર ભાજપના કરણપરા સ્થિત કાર્યાલયમાં નરેશ પટોરીયાને સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ અપાવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે અને તેઓને વાજતે ગાજતે કેશરીયા ખેસ પહેરાવવામાં આવશે.

નોંધનીય છે કે કોંગ્રેસના ડમી ઉમેદવાર યોગીન છનીયારા પણ ભાજપમાં પ્રવેશી ગયાના અહેવાલો છે. અને આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરશીભાઈ પટોળીયા પણ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા હોય કોંગ્રેસની હાલત અત્યંત કફોડી બની ગયાનું અને  સંભવત આ પેટા ચુંટણીના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા બની જાય તેવા ઉજળા સંજોગો પણ ઉભા થયા છે.

(3:35 pm IST)