Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મોદી સરકાર વધુ એક માસ્ટર સ્ટ્રોક લગાવવાની તૈયારીમાં

હવે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ અનામત આપવા તૈયારી

એક સપ્તાહમાં જ જારી થશે આદેશ

નવી દિલ્હી, તા. ૧૬ :. આર્થિક સ્થિતિના આધારે અનામત પછી મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. જેમાં ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવે અનામત લાગુ થશે. જેનો લાભ અનામત વર્ગમાં આવતા એસસી-એસટી, ઓબીસી અને સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત બધા વર્ગોને મળશે. અત્યાર સુધી આ અનામત ફકત સરકારી સંસ્થાઓમાં જ લાગુ હતી. આ નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ છે કે તેના કારણે વિદ્યાર્થીઓ માટે શિક્ષાના દ્વાર જ નહીં ખૂલે પણ ભવિષ્યમાં નોકરીઓ માટેની તકો પણ વધવાની શકયતા છે.

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, સરકારી સંસ્થાઓની સાથે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત અમલી બનાવવાનો આ નિર્ણય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પછી લેવામાં આવ્યો છે. આ બાબતે એક અઠવાડીયામાં આદેશો બહાર પાડી દેવાશે, સાથે જ સંસદને પણ તેની માહિતી આપવામાં આવશે.

જો કે એ બાબતે શંકા છે કે ફકત આદેશ બહાર પાડી દેવાથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અનામત માટે તૈયાર જશે ? પણ રાજકીય રીતે આ જાહેરાત મહત્વપૂર્ણ છે. સરકાર તરફથી પહેલા જ સંકેતઆપી દેવાયો હતો કે આવનારા સમયમાં તે ઘણી રાજકીય સિકસરો મારશે અને આ પણ તેના ભાગરૂપે જ છે.

જાવડેકરે એ પણ જણાવ્યુ કે સામાન્ય વર્ગને અપાયેલ ૧૦ ટકા અનામતનો લાભ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રથી તેમને મળવા લાગશે. આ બાબતે ટૂંક સમયમાં દેશની બધી યુનિવર્સિટીઓ અને કોલેજોને આદેશો આપવામાં આવશે. સાથે જ તેમણે પોતાના પ્રોસ્પેકટસમાં આની માહિતી આપવાનું કહેવામાં આવશે. તેમણે કહ્યું કે આના માટે બધી સંસ્થાઓમાં બેઠકોની સંખ્યા વધારવાનો પણ નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે જો કોઈ સંસ્થામાં ૧૦૦ બેઠકો હોય તો હવે તેમણે તે વધારીને ૧૨૫ બેઠકો કરવી પડશે. આના માટે સંસ્થાઓમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબુત બનાવવા માટે બજેટમાં વધારાની જોગવાઈ પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બેઠકોમાં વધારાનો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે જેથી ૧૦ ટકા અનામત અમલી બન્યા પછી કોઈપણ વર્ગને પહેલાથી મળતી બેઠકો પર કોઈ અસર ન પડે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં લગભગ ૯૦૦ સરકારી યુનિવર્સિટી અને ૪૦ હજાર સરકારી કોલેજો છે. જ્યારે દેશભરમાં ખાનગી યુનિવર્સિટીઓ ૩૪૩ અને કોલેજોની સંસ્થા ૨૫૩૮૩ છે જ્યારે વિશિષ્ઠ સંસ્થાઓની સંખ્યા ૬૭૦૦ છે.(૨-૨)

 

(10:15 am IST)