Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્થિતિ નથી :આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલનો દાવો

કોરોના ફેલાવવાની ગતિ ભારતમાં પ્રમાણમાં ધીમી : ૧૬૦૦૦થી વધુ ટેસ્ટ પૈકી માત્ર બે ટકા દર્દી જ પોઝિટિવ ટેસ્ટિંગની ગતિ અનેકગણી કરાઈ : ૨૧૩ લેબ સક્રિય છે

નવી દિલ્હી, તા. ૧૦ : દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૬૭૮થી વધુ નવા કેસો સપાટી ઉપર આવવાથી કેસોની સંખ્યા ૬૫૦૦થી ઉપર પહોંચી ચુકી છે. અલબત્ત રાહતની બાબત એ છે કે, દેશમાં હજુ કોમ્યુનિટી ટ્રન્સમિશનની સ્થિતિ નથી. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યું હતું કે, હજુ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ નથી પરંતુ સાવધાની જરૂરી બની છે. દેશમાં ટેસ્ટિંગની ગતિમાં પણ તેજી આવી છે. હજુ સુધી ૨૧૩ લેબમાં કામ ચાલી રહ્યું છે. ૧૬૦૦૨ ટેસ્ટ થયા જે પૈકી ૨ ટકા દર્દી પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પુરતી સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં એક લેબથી કામ શરૂ કરવામાં આવ્યું હતું જેને વધારીને ૧૫ કરવામાં આવ્યું હતું. આજે ૧૪૬ સરકારી લેબ છે.

              ૬૭ પ્રાઇવેટ લેબ છે જેના ૧૬૦૦૦થી વધારે કલેક્શન સેન્ટરો છે. તેમણે કહ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં દરરોજ ૧૦૦ ટેસ્ટ થઇ રહ્યા હતા. એક સપ્તાહ પહેલા સુધી ૬૦૦૦ ટેસ્ટ થઇ રહ્યા હતા પરંતુ ગુરુવારના દિવસે ૧૬૦૦૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૨ ટકા કેસ જ પોઝિટિવ આવ્યા છે. એટલે કે ઇન્ફેક્શનનો દર ખુબ વધારે નથી. કોરોનાના કેસોમાં જે મામલા છે તે પૈકી ૧૯૯થી વધુના મોત થઇ ચુક્યા છે. ગુરુવારના દિવસે ૩૩ લોકોના મોત થયા હતા. મલેરિયાની સારવારમાં કામ આવતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ કોરોનાની સારવારમાં વધી રહ્યો છે. ભારત મોટાપાયે આ દવાનું નિર્માણ કરે છે જેથી તમામ દેશો ભારત સમક્ષ આ દવાની માંગ કરી રહ્યા છે. ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વિનના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો પરંતુ મોડેથી આ પ્રતિબંધને ઉઠાવી લેવાયો હતો. નિકાસ બાદ ભારતની પાસે જરૂરી પ્રમાણમાં આ દવાનો પુરવઠો રહેશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં લવ અગ્રવાલે કહ્યું હતું કે, ભારત માટે અનેકગણો જથ્થો રહેલો છે. ભારતને આશરે એક કરોડ ટેબ્લેટની જરૂર રહેશે. આ જરૂર એક સપ્તાહ માટેની રહેશે જ્યારે અમારી પાસે ૩.૨ કરોડ ટેબ્લેટ રહેલી છે. સ્થાનિક ઉપયોગ માટે એટલે કે, હાલની જરૂર મુજબ ત્રણગણી ટેબ્લેટ રહેલી છે.

                જો મહિનાના છેલ્લા દિવસ સુધીની વાત કરવામાં આવે તો ભારતને ૧.૬ કરોડ ટેબ્લેટની જરૂર પડશે. ઉપરાંત બેથી ત્રણ કરોડ વધારાના પુરવઠાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અગ્રવાલે કહ્યું હતું કે, લોજિસ્ટિક પરિસ્થિતિઓના પરિણામ સ્વરુપે શરૂઆતમાં એન-૯૫ માસ્કની પરેશાની થઇ હતી પરંતુ રાજ્યોને પુરતી સંખ્યામાં માસ્ક મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, નવ લાખ માસ્ક રાજ્યોની પાસે ઉપલબ્ધ હતા. બે મહિનામાં રાજ્યોને વધારાના ૨૦ લાખ માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. માસ્કની કોઇ કમી નથી. આવી જ રીતે રાજ્યોને પુરતા પ્રમાણમાં પીપીઈ મોકલવા માટે પગલા લેવાઈ રહ્યા છે. હાલમાં દેશમાં પીપીઈના ૩૯ મેન્યુફેક્ચરર ઉપલબ્ધ છે. ૪૯૦૦૦ વેન્ટીલેટરના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે જે આગામી દિવસોમાં આવી જશે. આરોગ્ય મંત્રાલય તરફથી આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૫૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થઇ ચુક્યું છે. રાજ્યોને કોરોના સામે લડવા આ પેકેજ અપાયું છે. આનાથી રાજ્યો હોસ્પિટલ બનાવવાથી લઇને ટેસ્ટિંગ સુવિધા વધારી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં સંયુક્ત સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ૩૭૯૭૮ રાહત કેમ્પો મારફતે ૧૪.૩ લાખ પ્રવાસી મજુરોને આશ્રય અપાયો છે.

(7:42 pm IST)