Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના કહેર વચ્ચે પંજાબમાં પહેલી સુધી લોકડાઉન રહેશે

કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારનો નિર્ણય : ઓરિસ્સા બાદ લોકડાઉન લંબાવનાર પંજાબ બીજુ રાજ્ય

ચંદીગઢ, તા. ૧૦ : કોરોના વાયરસના ઝડપથી થઇ રહેલા ફેલાવવા વચ્ચે હવે પંજાબ સરકારે પણ રાજ્યમાં પહેલી મે સુધી લોકડાઉનને વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પંજાબ પહેલા જ ઓરિસ્સા સરકારે ગઇકાલે જ લોકડાઉનને વધારવાની જાહેરાત કરી દીધી હતી. પંજાબ સરકારે રાજ્યમાં પહેલી મે સુધી કર્ફ્યુને વધારવાનો નિર્ણય કર્યો છે. કોરોના કેસો વધી રહ્યા છે. પંજાબમાં ૧૩૦ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. ૧૦ લોકોના મોત થઇ ચુક્યા છે. અન્ય રાજ્યો પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વાતચીત કરનાર છે તે પહેલા જ બે રાજ્યો પોતપોતાના રાજ્યમાં લોકડાઉનને વધારવાની જાહેરાત કરી ચુક્યા છે. કોરોનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં માસ્ક પહેરવાની બાબત પણ ફરજિયાત બનાવી દેવામાં આવી છે. પંજાબના મોહાલીમાં કોરોનાના ૪૧ દર્દીઓ, જવાહરપુર ગામમાં ૩૨ દર્દીઓ સપાટી ઉપર આવ્યા છે. પંજાબ સરકારે કોરોના વાયરસને રોકવા માટે વિવિધ પગલાઓ જાહેર કર્યા છે.

             મુખ્યમંત્રીએ પોતે પોતાના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું હતું કે, પંજાબમાં માસ્ક પહેરવાની બાબત ફરજિયાત કરવામાં આવી રહી છે જ્યારે પણ કોઇ ઇમરજન્સીની સ્થિતિમાં અથવા તો જરૂરી ચીજવસ્તુઓ માટે ઘરેથી બહાર નિકળવામાં આવે ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરવામાં આવે તે જરૂરી છે. પંજાબના ૧૭ જિલ્લા હજુ સુધી કોરોના વાયરસના સકંજામાં આવી ચુક્યા છે. આને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ૨૧ દિવસના લોકડાઉનના ગાળાને પહેલી મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે, આજ એક તરીકો રહેલો છે જેનાથી વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકી શકાશે. પંજાબના મોહાલીમાં પણ ૩૨થી વધુ કોરોના પોઝિટિવ સપાટી પર આવ્યા છે. કોરોના વાયરસથી સૌથી વધારે સાહિબજાદા અજીતસિંહનગર પ્રભાવિત છે. અહીના ડેરાબસ્તી વિસ્તારમાં સ્થિત જવાહરપુર ગામમાં કોરોનાના ૩૨ કેસો સપાટી ઉપર આવ્યા છે. મોહાલીમાં ૪૧ કોરોના દર્દી સપાટી ઉપર આવ્યા છે. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, રાજ્ય કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, પાક માટે ખરીદી અને વેચાણ માટે નવી મંડીઓનું નિર્માણ કરાશે.

(7:33 pm IST)