Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

DHFLના વાધવાન ભાઇઓ સહિત ૨૩ લોકો પર FIR

નવી દિલ્હી તા. ૧૦ : ભારતમાં કોરોના સંક્રમણ થી લડવા માટે ૨૧ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધારે વકર્યું છે. ત્યારે મહારાષ્ટ્રના કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન વચ્ચે વીવીઆઈપી ટ્રીટમેન્ટનો મામલો પણ વધી રહ્યો છે. પોલીસે દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) ના પ્રમોટરો કપિલ અને ધીરજ વાધવાન સહિત ૨૩ લોકો વિરૂદ્ઘ કેસ નોંધ્યો છે અને આ અંગે અલગ અલગ કલમો આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્ર પોલીસે કપિલ અને ધીરજ વાધવન વિરુદ્ઘ આઈપીસીની કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦, ૩૪ અને આપત્ત્િ। વ્યવસ્થાપન અને રોગચાળા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. કપિલ અને ધીરજ ઉપરાંત બીજા ૨૧ લોકો પણ છે જેઓ મહાબળેશ્વર ગયા હતા. દરમિયાન તપાસ એજન્સીઓ સીબીઆઈ અને ઇડીએ માહિતી આપી છે કે વાધવાન પરિવાર મહાબળેશ્વર ગયો હોય તેવું પહેલી વાર નથી થયું. બંને તપાસ એજન્સીઓએ જણાવ્યું હતું કે કપિલ અને ધીરજ વાધવન તેમના પરિવાર સાથે માર્ચમાં પણ મહાબળેશ્વરની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન, ઇડી અને સીબીઆઈએ વધવન બ્રધર્સને અનેક સમન્સ મોકલ્યા હતા. તેમને યસ બેંકની તપાસમાં સામેલ થવા જણાવ્યું હતું. તે દરમિયાન, બંને કોરોના વાયરસનું બહાનું બનાવીને તપાસમાં જોડાયા ન હતા.

ડીએચએફએલના પ્રમોટર, વાધવન બંધુઓ મહાબળેશ્વર, પરિવારના સભ્યો અને કેટલાક ટેકેદારો સાથે ફરવા માટે ગયા હતા. જયારે તે મહાબળેશ્વરમાં આવેલા તેના બંગલા પર પહોંચ્યા ત્યારે આસપાસના લોકોએ તેમના આગમન અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે બધાને કવોરેન્ટાઇનમાં લઈ ગયા હતા અને લોકડાઉનનો ભંગ કરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

દરમિયાન તપાસમાં માલુમ પડ્યું કે વાધવાન બંધુઓને સરકાર તરફથી જ પરમિશન મળી હતી. તે પછીથી તેઓ મહાબળેશ્વર સરકારની પરવાનગીથી જ ફરવા ગયા હતા. પોલિસ તપાસ કરવા ગઈ ત્યારે વાધવાન ભાઈઓએ પોલિસને એક પત્ર બતાવ્યો હતો. આ પત્ર મહારાષ્ટ્રના મુખ્ય સચિવ (ગૃહ) અમિતાભ ગુપ્તા દ્વારા પરમિશનનો હતો. જે ૮ એપ્રિલે આપવામાં આવ્યો હતો. આ પછી અમિતાભ ગુપ્તાને સરકાર દ્વારા રજા પર મોકલી દેવાયા છે.

(3:50 pm IST)