Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હવે જંગલેશ્વર આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ : પાસ માટે આજે પણ ટોળાઃ વધુ સ્ટાફ મુકાયો

૯૦ ટકા કરીયાણા - મેડીકલ સ્ટોરના વેપારીઓ આવે છે : દરેકને વોર્ડ ઓફિસે જવા તંત્રની અપીલ : વોર્ડ ઓફિસ મારફત કલેકટર તંત્રે કેન્સલ થયેલા ૨ દિ'માં ૨૫૦૦ પાસ આપ્યા : હવે કોઇને આવવા નહિ દેવા સૂચના : શહેરના તમામ વિસ્તારો તબક્કાવાર આવરી લેવાશે સોમવારથી રેપીડ ટેસ્ટ : પાસ માટે કલેકટર ઉપર ચારેબાજુથી આગેવાનોના ફોન કરાવતા લોકો : આ બધુ બંધ કરો : સ્ટાફ સાથે સારી રીતે વર્તો : રેમ્યા મોહન

રાજકોટ તા. ૧૦ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ ૫ કેસ કોરોનાના પોઝીટીવ આવ્યા છે. એટલે ત્યાં સઘન તપાસ ચાલુ જ છે, પરંતુ હવે જંગલેશ્વર આસપાસના વિસ્તારોમાં પણ આજથી અમે તપાસ ઝુંબેશ સઘન બનાવી છે, આ માટે ટીમો ઉતારી દેવાઇ છે, અને કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે.

કલેકટરે 'અકિલા'ને જણાવ્યું હતું કે, સોમવારથી આવા પોકેટોમાં રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાવી રહ્યા છીએ, શહેરના અન્ય વિસ્તારો પણ આવરી લેવાશે, જેથી કોઇ નવું કલસ્ટર નીકળી આવે તો વાંધો ન આવે.

કલેકટરે જણાવેલ કે, રૂરલ વિસ્તારમાં જ પણ આવી રીતે કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.

દરમિયાન આજે પણ પાસ લેવા વેપારીઓ ઉમટયા હતા, લોકોના ટોળા હતા, આ કામગીરીને પહોંચી વળવા કલેકટરે વધુ ૬ નાયબ મામલતદાર અને એક ચીટનીશને જનસેવા કેન્દ્રમાં કામગીરી સોંપી છે.  બીજી બાજુ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવેલ કે, ૮૦ થી ૯૦ ટકા વેપારીઓ કરીયાણા - મેડીકલ સ્ટોરવાળા છે, વેપારીઓને અપીલ છે કે તેમના કેન્સલ થયેલા પાસ પોતાની વોર્ડ ઓફિસમાં જમા કરાવો ત્યાં જ ફોટા - ફોટો આઇડી પ્રુફની ઝેરોક્ષ આપો. વોર્ડ ઓફિસર આ બધા પાસ લઇ કલેકટર તંત્રને આપશે, અને કલેકટર આ પાસ ઇસ્યુ કરી દેશે, બે દિ'માં આવા કેન્સલ થયેલા ૨૫૦૦ જેટલા પાસ અમે ઇસ્યુ કર્યા છે.

દરમિયાન કલેકટરે જણાવેલ કે, પાસ માટે હવે લોકો ચારેબાજુથી પોતાની ઉપર કે અન્ય અધિકારીઓ ઉપર ફોન કરાવી રહ્યા છે, માત્ર ૩૦ મીનીટમાં પાસ થઇ જવો જોઇએ એવો અહંકાર દાખવે છે, આ વ્યાજબી નથી, આ બધુ બંધ થવું જોઇએ, ભાઇ, પહેલા અરજી તો કરો, ડાયરેકટ ફોન કરાવવાની શું જરૂર છે, તેમણે જણાવેલ કે, પાસ કઢાવવા આવતા લોકો આગેવાનોની ઓળખ લઇ સ્ટાફ સાથે ખરાબ રીતે વર્તે છે, તે પણ વ્યાજબી નથી. તંત્ર પાસ કાઢવા બેઠું છે, ઇમરજન્સી હોય - કોઇ અવસાન પામ્યું હોય - દવાની જરૂરત હોય તેને પાસ અપાય જ છે.

(3:30 pm IST)