Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જંગલેશ્વર ઉપર જ તંત્રએ ધ્યાન કેન્દ્રીત કર્યુ

જંગલેશ્વરમાં ૧૬ શેરીઓ સીલઃ તંત્ર-રહેવાસીઓ વચ્ચે ઉગ્ર માથાકુટ

ઉદિત અગ્રવાલ-ડે. કમિશનર ચેતન નંદાણીએ ફુટ પેટ્રોલીંગ કર્યુ તે દરમિયાન કોરોના પોઝીટીવ અલ્તાફની બહેનના મકાનને કેમ કોરન્ટાઈન નથી કર્યુ ? તેમ કહી ડખ્ખો કરાયોઃ આજે ૩૦૦ થી ૪૦૦ પરિવારોનું કલસ્ટર કોરન્ટાઈનઃ આરોગ્યની ૧૮ ટુકડીઓના ૧૦૦ કર્મચારીઓ દ્વારા જંગલેશ્વરમાં સતત ચેકીંગઃ શંકાસ્પદોના સેમ્પલો લેવાનુ સતત ચાલુ

જંગલેશ્વરમાં ઉદીત અગ્રવાલનું ફુટ પેટ્રોલીંગઃ રહેવાસીઓએ ઘેરાવ કરી ઉગ્ર બોલાચાલી કરી : રાજકોટઃ શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાં પોઝીટીવ કેસ વધતાં આજે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે ત્થા ડે. કમિશ્નર ચેતન નંદાણીએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કર્યું હતું તે વખતે રહેવાસીઓએ અધિકારીઓ સાથે માથાકુટ કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના સંક્રમણના પોઝીટીવ કેસ વધુ પડતા મળી રહ્યા હોય મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકોએ છેલ્લા બે દિવસથી જંગલેશ્વર ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને આજે આ વિસ્તારની ૧૬ જેટલી શેરીઓને સીલ કરી દેવાય હતી. આ દરમિયાન મ્યુ. કમિશ્નર તથા ડે. કમિશ્નરે અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં નિકળ્યા તે વખતે રહેવાસીઓ અને આ બન્ને અધિકારીઓ વચ્ચે ઉગ્ર માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે વિગતવાર અહેવાલ આપતા જણાવ્યુ હતુ કે, જંગલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસમાં ૮ જેટલા કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા છે અને તમામ શેરી નં. ૨૭મા રહેતા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કવાળા છે. આ બાબત અપેક્ષિત હતી. આથી જ હવે આ એક જ વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયુ છે અને આજે વધુ ૧૬ જેટલી શેરીઓ સીલ કરી દઈ ૩૦૦થી ૪૦૦ પરિવારોનું કલસ્ટર કોરન્ટાઈન કરાયુ છે.

આ પરિવારોના કોરોના શંકાસ્પદોના સેમ્પલો લેવાનુ ચાલુ કરી દેવાયુ છે. તેમજ સમગ્ર જંગલેશ્વર વિસ્તારના આરોગ્ય ચેકીંગ માટે ૧૮ ટુકડીના ૧૦૦ વર્કરોની ટીમો કામે લગાડી દેવાય છે.

માથાકુટ

દરમિયાન મ્યુ. કમિશ્નરે જણાવેલ કે જંગલેશ્વરના જે વિસ્તારો કલસ્ટર કોરન્ટાઈન કરાયા છે, ત્યાં ફુટ પેટ્રોલીંગ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ અલ્તાફની બહેનનું મકાન કોરન્ટાઈન કેમ નથી કર્યુ ? તેમ કહી માથાકુટ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી.

જો કે બાદમાં રહેવાસીઓને સમજાવી અને જણાવેલ કે અલ્તાફની બહેનનુ મકાન અગાઉથી જ કોરન્ટાઈન કરી દેવાયુ છે.

નોંધનીય છે કે, રહેવાસીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે કોરોના પોઝીટીવ અલ્તાફ તેના બહેનના ઘરે આવેલ તેથી તેઓને પણ કોરન્ટાઈન કરવા જોઈએ.

કોરોનાને સતત પાંચ દિવસ બ્રેક લાગ્યા બાદ જંગલેશ્વરમાંથી ઓચિંતો પોઝીટીવ કેવી રીતે આવ્યો ?

અલ્તાફને કયાંથી ચેપ લાગ્યો તે શોધવા તંત્ર ઉંધામાથે

રાજકોટઃ. શહેરમાં ગત અઠવાડિયામાં સતત પાંચ દિવસ સુધી કોરોનાના કેસને બ્રેક લાગી ગઈ હતી પરંતુ ત્યાર બાદ જંગલેશ્વર શેરી નં. ૨૭માં રહેતા અલ્તાફ નામના યુવાનને ઓચિંતો જ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા અને બીજા દિવસે વધુ ૨ પોઝીટીવ જ્યારે આજે ત્રીજા દિવસે ૫ પોઝીટીવ કેસ નોંધાયા આમ જંગલેશ્વર હવે કોરોના મામલે સંવેદનશીલ બન્યુ છે, ત્યારે તંત્ર વાહકો હજુ સુધી એ શોધી નથી શકયુ કે એક સાથે ૭ને ચેપ લગાડનાર અલ્તાફને કયાંથી ચેપ લાગ્યો? કોના સંપર્કમાં આવ્યા બાદ અથવા તે કયા - કયા સ્થળે ગયો હતો ? તે તમામ બાબતોની શોધખોળ હજુ ચાલુ છે કેમ કે અલ્તાફને કયાંથી ચેપ લાગ્યો ? તે અત્યંત જરૂરી છે. જેથી કેસ વધતા અટકાવી શકાય અન્યથા જો આ નહી જાહેર થાય તો જંગલેશ્વરમાં જ્યાં હજુ સુધી પોઝીટીવ દર્દી નથી મળ્યા ત્યાં સ્થિતિ મુશ્કેલ બની શકે છે.

(3:27 pm IST)