Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આ મહિનાના અંતમાં કોરોનાથી રાહતની સંભાવના

ત્રણ તબક્કાની યોજના ઉપર ચાલી રહ્યું છે કામઃ વાયરસ વિરૂદ્ધ કેન્દ્ર-રાજય સરકારોએ પુરી તાકાત લગાવી

નવી દિલ્હી, તા. ૧૦ : કોરોના વિરૂદ્ધ લાંબી લડાઇની તૈયારી કરી રહેલ કેન્દ્ર સરકારને એપ્રિલના અંત સુધીમાં રાહત મળવાની આશા છે. લોકડાઉનની સાથે જ કોરોના પ્રભાવિત હોટસ્પોટને સીલ કરીને સંક્રમણને રોકવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ દ્વારા તેનો ઝડપભેર ફેલાવો રોકવાની કોશિષમાં કેન્દ્ર અને રાજયોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. નિષ્ણાંતો પણ એપ્રિલને મહત્વપૂર્ણ માને છે.

જો કે તબલિગી જમાતના લીધે સરકારના લોકડાઉન પ્લાનને મોટો ધક્કો લાગ્યો છે અને તેના તેમનો એક મોટો ભાગ જમાત અને તેના કનેશનને શોધવામાં ધંધે લાગ્યો છે. સુત્રો અનુસાર, કેન્દ્રએ રાજયો સાથે વે જે યોજના તૈયાર કરી છે તેમાં લોકડાઉનને ઓછામાં ઓછા બે અઠવાડીયા લંબાવવા અને હોટસ્પોટને સીલ કરીને સંક્રમિતોની ભાળ મેળવીને તેમને આઇસોલેટ કરવાનું છે.

આના માટે ૧૪ એપ્રિલ પછી બે વધુ અઠવાડીયા જોઇશે. પછી મરકઝ જેવી કોઇ ઘટના ન બને તો અસર જોવામાં એક મહીનો લાગી શકે છે. સરકારની કોશિષ અત્યારે રોજેરોજ વધી રહેલા કેસો પર અંકુશ મુકવાની છે. જો એક વાર તે ઘટવાનું શરૂ થઇ જાય તો આગામી દિવસોમાં ધીમે ધીમે સ્થિતિ સુધરી શકે છે.

આના માટે ત્રણ તબક્કાની એક યોજના પણ તૈયાર કરાઇ રહી છે તેનો પહેલો તબક્કો આ વર્ષના જૂન સુધી ચાલશે, જેમાં ખાસ કોવિદ હોસ્પિટલો બનાવવી, આઇસોલેશન વોર્ડ, વેન્ટીલેટર વાળા આઇસીયુ, પીપીઇ કીટ અને એન-૯પ માસ્ક પર ધ્યાન અપાશે. બીજા તબક્કો જુલાઇ ર૦ર૦થી માર્ચ ર૦ર૧ અને ત્રીજો તબક્કો એપ્રિલ -ર૦ર૧થી માર્ચ ર૦ર૪ સુધીનો હોઇ શકે છે. આ દરમ્યાન રાજયોને કેન્દ્ર દ્વારા જે ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ્સ પ્રીપેરનેસ પેકેજ અપાઇ રહ્યું છે તેનો ઉપયોગ કરાશે.

સરકારનું માનવું છે કે, મહામારી સામે નિપટવા, તેનાથી ઉભી થયેલ આર્થિક પરિસ્થિતિ અને સામાન્ય જનજીવનને પાટે ચડાવવામાં લાંબો સમય લાગશે. કેમ કે આ ફકત દેશની જ નહીં પણ વૈશ્વિક સમસ્યા છે જેની અસર લાંબા સમય સુધી રહેશે. જોકે ભારતમાં તે ઝડપથી ન ફેલાયો હોવાના લીધે સ્થિતિ ભયાનક નથી. વિભન્ન સ્તરો પર થયેલી સમીક્ષામાં બહાર આવ્યું છે કે કેન્દ્ર અને રાજય સરકારોએ આ મુદ્દે જે તત્પરતાથી પગલા લીધા છે અને પ્રજાએ જે પ્રકારે સહયોગ આપ્યો છે તેનાથી શાસન તંત્રની હિંમત વધી છે.

(10:00 am IST)