Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સાઉદી અરબના રાજવી પરિવારના 150 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો : રાજા સેલ્ફ આઇસોલેશનમાં અને યુવરાજ અન્ય સલામત સ્થળે રોકાયા!

રાજ પરિવારના સભ્યો તથા તેમના સંપર્કમાં આવેલા લોકો માટે હોસ્પિટલમાં 500 બેડ તૈયાર કરાયા

 

સાઉદી અરેબિયાના રાજપરિવારના અંદાજે 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો દાવો અમેરિકી સમાચાર માધ્યમોના અહેવાલોમાં કરાયો છે 

 સાઉદી અરેબિયા યમનમાં 2015માં પદભ્રષ્ટ કરાયેલા રાજવી વતી ઇરાન સમર્થિત હૌથી બળવાખારો સામે લડાઇ લડી રહ્યું છે પરંતુ હાલ તેણે લડાઇમાં યુદ્ધ વિરામ જાહેર કર્યો છે તેની પાછળ રાજ પરિવારના સભ્યોને લાગેલો ચેપ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યુ્ં છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ અતિશય બહોળા સાઉદી રાજપરિવારના કેટલાક ઓછા જાણીતા સભ્યો સહિત આશરે 150 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે.

સાઉદી અરેબિયામાં લગભગ સપ્તાહ પહેલાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. હવે ત્યાં કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 2932 થઇ ચૂકી છે. 41 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 631 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે એમ જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે.

 અહેવાલ અનુસાર કિંગ સલમાનના ભત્રીજા અને રિયાધના ગર્વનર ફૈઝલ બિન બન્દાર બિન અબ્દુલાઝીઝ અલ સાઉદ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હોવાનું રાજ પરિવારના સભ્યો સહિતના ભદ્ર વર્ગના લોકો માટેની હોસ્પિટલ કિંગ ફૈઝલ સ્પેશ્યિલાસ્ટ હોસ્પિટલના તબીબોને ટાંકીને જણાવાયું છે.

 રાજ પરિવારના સભ્યો તથા તેમના સંપર્કમાં આવેલા લોકો માટે હોસ્પિટલમાં 500 બેડ તૈયાર કરાયા છે. 84 વર્ષના કિંગ સલમાન જેદ્દાહ નજીકના એક ટાપુ પર સેલ્ફ આઇસોલેશનમાં છે. સાઉદીમાં હાલ સત્તાનાં અસ્સલ સૂત્રધાર મનાતા યુવરાજ રાતા સમુદ્ર કિનારે અન્ય એક સ્થળે કેટલાક મંત્રીઓ સાથે રોકાણ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

 

(11:49 pm IST)