Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજદ્રોહનાં કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરતી સુપ્રીમકોર્ટમાં અરજી

લોકોનાં અવાજને કચડી નાખનારા આ બ્રિટિશકાળનાં કાયદાને લોકશાહી દેશમાં મંજુરી આપવી જોઇએ નહીં

નવી દિલ્હી : દેશમાં રાજદ્રોહનાં કાયદાનાં વધી રહેલા દુરપયોગની સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં અગ્રેજો વખતનાં આ કાયદાને ચાલુ રાખવાની મંજુરી નહીં આપવી જોઇએ તેવી માંગ કરવામાં આવી છે, આ કાયદો લોકોનાં મૌલિક અધિકારોને રૂધી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ આદિત્યા રંજન, વરૂણ કુમાર, અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આઇપીસીની કલમ-124 એનો દુરપયોગ વધી રહ્યો છે, તથા લોકતાંત્રિક અને લોકોને મળેલા મૌલિક અધિકારો પર તેની ભયાનક અસર થઇ રહી છે, કાયદાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પત્રકારો,મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓ વિરૂધ્ધ આ કાયદાનો ઉપયોગ થઇ રહ્યો છે, લોકોનાં અવાજને કચડી નાખનારા આ બ્રિટિશકાળનાં કાયદાને લોકશાહી દેશમાં મંજુરી આપવી જોઇએ નહીં તેવી માંગ કરાઇ છે.

અરજીકર્તાઓએ આ બ્રિટિશ કાળનાં કાળા કાયદા કલમ-124 એને આજના સમયમાં અતાર્કિક,અયોગ્ય તથા અનઅપેક્ષિત ગણાવ્યો છે. આ કાયદામાં એવી કોઇ જોગવાઇ નથી જેમાં પોલીસે તેનો દુરપયોગ કર્યો હોય તો તેની જવાબદારી નક્કી કરી શકાય, તેના કોઇ સેફ ગાર્ડ નથી, બદલાયેલી પરિસ્થિતીમાં કલમ-124 એને એક્ઝામિન કરવાની જરૂર છે.

અરજી કર્તાઓએ કહ્યું કે શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિચાર અભિવ્યક્તિ મુક્ત અને લિબરલ ભાવનાથી થઇ શકે છે, દેશભરમાં પોલીસ ફ્રી સ્પિચની ઘટનાઓમાં રાજદ્રોહનો કેસ નોંધી રહી છે, લોકતંત્રમાં સવાલ કરવો અને ટીકા કરવાનો અધિકાર છે, પરંતું કલમ-124 એ તેની સામે મોટો ખતરો છે. અરજીકર્તાઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ રાજ્યોનાં ડીજીપીને હુકમ કરે કે તે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા(કેદારનાથ કેસ અને બલવંત સિંહ કેસ)માં આપવામાં આવેલા ચુકાદા મુજબ કામ કરે.

(11:35 pm IST)