Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કૃષિ કાયદા ઘાતક, શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિતમાં: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી

ખેડૂતોના ચક્કાજામ, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા સરહદ પર કરાયેલા બેરિકેડિંગની તસવીરો ટ્વીટ કરી નિશાન સાધ્યું

નવી દિલ્હી, તા. ૬ : ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા દેશવ્યાપી ચક્કાજામ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું કે, અન્નદાતાઓનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશના હિતમાં છે કારણ કે કૃષિ કાયદાઓ દેશ માટે ઘાતક છે.

ખેડૂતોએ ૬ ફેબ્રુઆરીના દેશવ્યાપી ચક્કાજામ કરવાની જાહેરાત સોમવારે કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો રાજ્ય અને રાષ્ટ્રીય હાઈવેને બપોરના ૧૨થી ૩ વાગ્યા સુધી જામ કર્યો હતો. ખેડૂતો દ્વારા દિલ્હી સરહદ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી ખેડૂતોએ ચક્કાજામ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોની પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગત સહિતના કેટલાક મુદ્દાઓને લઈને પણ ખેડૂતો રોષે ભરાયા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અન્નદાતાઓનું શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિતમાં છે, ત્રણ કૃષિ કાયદાથી દેશના ખેડૂતોને જ નહીં પરંતુ દેશના નાગરિકોને પણ નુકસાન થશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા સરહદ પર કરાયેલા બેરિકેડિંગની તસવીરો ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે શા માટે તમે ડરની દિવાલથી ડરાવી રહ્યા છો?

કોંગ્રેસે શુક્રવારે ખેડૂતોના દેશવ્યાપી ચક્કાજામને સમર્થન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ખેડૂતો સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશે તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. ખેડૂતો છેલ્લા બે મહિનાથી દિલ્હી આસપાસની સરહદ પર કૃષિ બિલ પરત ખેંચવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારે કૃષિ કાયદાઓને રદ નહીં કરવાનું જણાવ્યું છે અને વાતચીત માટેના દરવાજા ખુલ્લા હોવાની સ્પષ્ટતા કરી છે. જો કે ખેડૂત નેતાઓએ પણ એવી માગ કરી છે કે હવે કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીત નહીં કરે અને ફક્ત વડાપ્રધાન સાથે જ વાતચીત કરવા તેઓ આવશે.

(7:53 pm IST)