Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કર્ણાટકમાં દેશનો પહેલો લિથિયમનો ભંડાર મળ્યો

લોકસભામાં સરકારે માહિતી આપી : કર્ણાટકના મંડ્યા જિલ્લામાં ૧૬૦૦ ટન લિથિયમ મળ્યો માર્લાગલ્લા-અલ્લાપટમાંથી લિથિયમના ખડકો મળ્યા

નવી દિલ્હી, તા. ૬ : સરકારે દેશનો પહેલો લિથિયમ ભંડાર મળ્યો હોવાની વાતને પુષ્ટિ આપી છે. લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યા અનુસાર કર્ણાટકના મંડ્યા જિલ્લામાં ૧,૬૦૦ ટન લિથિયમ હોવાનું પ્રારંભિક સરવેમાં જણાયું છે. પરમાણું ઊર્જા વિભાગના જ એકમ એટોમિક મિનરલ્સ ડાયરેક્ટરેટ ફોર એક્સ્પ્લોરેશન એન્ડ રિસર્ચ (એએમડી) દ્વારા માર્લાગલ્લા-અલ્લાપટના વિસ્તારમાંથી લિથિયમના ખડકો મળ્યા છે. નવી ટેક્નોલોજી માટે લિથિયમ મહત્વનું તત્વ છે અને તેનો વપરાશ સિરામિક્સ, કાચ, ટેલિકમ્યુનિકેશન અને એરોસ્પેસ સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં થાય છે. ખાસ કરીને લિથિયમ આયન બેટરી, લુબ્રિકેશનમાં વપરાતી ગ્રીસથી માંડી રોકેટ પ્રોપેલન્ટ્સ, મોબાઇલ ફોન્સના ઓપ્ટિકલ મોડ્યુલેટર્સ અને ટ્રિટિયમના કન્વર્ટર તરીકે લિથિયમ વ્યાપક પ્રમાણમાં વપરાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક કાર્સનો ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે અને તેમાં લિથિયમ આયન બેટરી વપરાય છ

લિથિયમ આયન બેટરીની માંગમાં સતત વૃદ્ધિને કારણે છેલ્લા કેટલાક વર્ષમાં લિથિયમની માંગમાં વધારો નોંધાયો છે. જોકે, કર્ણાટકના મંડ્યા જિલ્લાના માર્લગલ્લા – અલ્લાપટના વિસ્તારમાં લિથિયમના જથ્થા અને મહત્વની જાણ સમગ્ર વિસ્તારમાં એક્સ્પ્લોરેશન કાર્ય પૂરું થયા પછી જ થશે. ત્યાર પછી આ વિસ્તારના ટેક્નિકલ, સામાજિક અને આર્થિક શક્યતાદર્શી અભ્યાસ પછી લિથિયમના જથ્થાના કોમર્શિયલ વપરાશની યોજના ઘડી શકાશે. ભારતે ગયા વર્ષે આર્જેન્ટિનાની કંપની સાથે સંયુક્ત રીતે ત્યાં લિથિયમના ભંડાર શોધવા કરાર કર્યા હતા. આર્જેન્ટિનામાં ૧.૭ કરોડ ટન લિથિયમ મેટલના ભંડાર હોવાનો અંદાજ છે. સરકારી કંપની ખનીજ બિદેશ ઇન્ડિયા લિમિટેડે આર્જેન્ટિના સાથે આ કરાર કર્યા છે. કંપનીની રચના ખાસ કરીને વિદેશમાં લિથિયમ અને કોબાલ્ટ જેવી વ્યૂહાત્મક મિનરલ એસેટ્સને ખરીદવા કરાઈ છે.

(7:51 pm IST)