Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કોરોનાની વેકસીનનું કામ જે સ્‍પીડે ચાલી રહ્યું છે તે જોતા

જિંદગી નોર્મલ થવામાં લાગશે સાત વર્ષ

૬૭ દેશો સુધી પહોંચી વેકસીન : રોજ સરેરાશ ૪૦ લાખ લોકોને લગાડવામાં આવે છે વેકસીન

નવી દિલ્‍હી તા. ૬ : વર્ષ ૨૦૨૦ તો કોરોના વાયરસના તાંડવને કારણે બરબાદ થયું. ૨૦૨૧ની શરૂઆત સારી રહી છે. કોવિડ-૧૯ની વેકસીન આવી અને દુનિયાના તમામ દેશોમાં રસીકરણ શરૂ થયું છે. ભારતમાં પણ બે વેકસીનને મંજુરી મળતા બંનેનું રસીકરણ ચાલુ થયું છે પણ જિંદગી હજુ નોર્મલ થઇ નથી. હજુ કોઇને હળવા - મળવા અને ઉઠવા બેસવામાં લોકો હજુ હિચકિચાટ અનુભવી રહ્યા છે. અત્‍યારે દુનિયાભરમાં વેકસીનનું કામ જે સ્‍પીડથી થાય છે તે જોતા લગભગ ૭ વર્ષ લાગશે જિંદગી પહેલા જેવી થતાં.

રિપોર્ટ કહે છે કે, કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ મોટા પાયે ચાલુ છે. ૬૭ દેશો સુધી વેકસીન પહોંચી છે. ૧૨ કરોડ ડોઝ લાગી ચુક્‍યા છે. રોજ સરેરાશ ૪૦ લાખ લોકોને રસી અપાય છે પણ બિમારી જ એટલી મોટી હતી કે રસીકરણની સ્‍પીડ પણ પુરતી નથી.

તો ૭૦ થી ૭૫ ટકા વસ્‍તીને ક્‍યાં સુધીમાં લાગશે રસી ? જે સ્‍પીડે ચાલે છે તે જોતા ૭ વર્ષ લાગશે.

કોરોનાની મહામારીના કારણે આખી દુનિયાનાં અર્થતંત્રો બરબાદ થઈ ગયા છે ત્‍યારે સૌને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે કે આ જીવલેણ રોગચાળાનો અંત ક્‍યારે આવશે. હાલ જે રીતે વેક્‍સિન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને ધ્‍યાનમાં લઈએ તો હજી ૭ વર્ષ સુધી કોરોનાથી આખી દુનિયાને રાહત મળે તેવા અણસાર નથી. બ્‍લૂમબર્ગ દ્વારા કોરોનાની વેક્‍સિનનો સૌથી મોટો ડેટા બેઝ બનાવવામાં આવ્‍યો છે. જે મુજબ ૧૧૯ મિલિયન લોકોને રસી અપાઈ ગઈ છે. અમેરિકાનાં વાયરોલોજી નિષ્‍ણાત એન્‍થની ફૌસીનાં જણાવ્‍યા મુજબ વિશ્વની ૭૦થી ૮૦ ટકા વસતીને કોરોનાની રસી આપવામાં આવે ત્‍યારે સ્‍થિતિ નોર્મલ બની શકશે.

આખા વિશ્વમાં વેક્‍સિનની જે રીતે અપ્રમાણસર ફાળવણી થઈ રહી છે તેને ધ્‍યાનમાં લઈએ તો વર્લ્‍ડ ઇકોનોમીને ૯.૨ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. ધનિક દેશો પાસે વેક્‍સિનનો વિપુલ જથ્‍થો છે જયારે અનેક ગરીબ દેશો સુધી વેક્‍સિન હજી પહોંચી નથી. આવા સંજોગોમાં ગ્‍લોબલ ઇકોનોમી માટે રિકવરીનું જોખમ તોળાઈ રહ્યું છે. રેન્‍ડ કોર્પોરેશનનાં અંદાજ મુજબ વિશ્વ ઇકોનોમીને દર વર્ષે ૧.૨ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે.

સ્‍વીડન અને ડેનમાર્ક દ્વારા ડિજિટલ પાસપોર્ટ આપવા વિચારણા કરાઈ રહી છે. આ બંને દેશ ડિજિટલ પ્‍લેટફોર્મ દ્વારા પ્રવાસીનું વેક્‍સિનેશન કરાયું છે કે કેમ તેની માહિતી આપશે. વેક્‍સિનેશન ક્‍યારે થયું છે કેટલા ડોઝ અપાયા છે તેની વિગતો આપવામાં આવશે. કયા પ્રવાસીનું વેક્‍સિન સ્‍ટેટસ શું છે તેની જાણકારી અપાશે.

(10:14 am IST)