Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમેરિકાથી ૧૦૦ વેન્ટિલેટર્સનો જથ્થો આગામી સપ્તાહે આવશે

ટ્રમ્પે ભારતને વેન્ટિલેટર્સ દાન આપવા જાહેરાત કરી હતી : ટ્રમ્પ કોવિડ-૧૯ પછી દુનિયા બદલાયેલી હકીકતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો જી-૭ સમૂહનું વિસ્તરણ ઈચ્છે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વોશિંગ્ટન, તા. ૩  : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે તેમનો દેશ ભારતને દાનમાં આપેલાં ૧૦૦ વેન્ટિલેટર્સનો પ્રથમ જથ્થો આગામી સપ્તાહે મોકલવા માટે તૈયાર છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે મંગળવારના રોજ મોદી સાથે વાત કરી અને બંને નેતાઓએ જી-૭ સંમેલન,કોવિડ-૧૯ને કાબુમાં લેવા અને પ્રાદેશિક સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા કરી છે. વ્હાઇટ હાઉસે ટેલિફોન પર થયેલી વાતચીત અંગે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિને જાહેરાત કરતી વખતે ખુશી થઈ રહી છે કે અમેરિકા આગામી સપ્તાહે ભારતને દાનમાં આપેલાં ૧૦૦ વેન્ટિલેટર્સનો પ્રથમ જથ્થો મોકવા તૈયાર છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમની તેમના મિત્ર ટ્રમ્પ સાથે ઉષ્માસભર વાતચીત સાર્થક નીવડી છે. અમેરિકાએ દાનમાં આપેલા વેન્ટિલેટર્સ ભારત માટે ખૂબ મહત્વના છે.

                કેમ કે અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન અને ઇટાલી બાદ કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ ધરાવતા દેશોમાં ભારત આઠમા ક્રમે આવી ગયું છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા અનુસાર બુધવાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા બે લાખથી વધુ તથા ૫૮૧૫ લોકોના મોત થયા છે. વેન્ટિલેટર શરીરની શ્વાસ લેવાની પ્રક્રિયા સંભાળે છે, જ્યારે ફેંફસા કામ કરતા બંધ થયા છે અને કોરોના વાયરસ ફેંફસાને જ ગંભીર ક્ષતિ પહોંચાડે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જી-૭ સમૂહની અધ્યક્ષતા અંગે માહિતી આપી અને સમૂહનું વિસ્તરણ કરવાની ઇચ્છાથી મોદીને વાકેફ કર્યા છે, જેથી ભારત સહિત મહત્વપૂર્ણ દેશોને આ સમૂહમાં સામેલ કરી શકાય. વ્હાઈટ હાઉસના નિવેદનમાં કહેવાયું છે કે આ પરિપ્રેક્ષ્યમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં આયોજીત આગામી જી-૭ સમિટમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપ્યું છે. મોદીએ ટ્રમ્પના રચનાત્મક અને દૂરંદેશ વલણની પ્રસંશા કરી અને કહ્યું કે કોવિડ-૧૯ પછી દુનિયા બદલાયેલી હકીકતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો જી-૭ સમૂહનું વિસ્તરણ ઈચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ખૂબ મજબૂત થયા છે, જે ટ્રમ્પે ભારતને વેન્ટિલેટર્સ મોકલ્યા તેના પરથી સાબિત થાય છે.

(9:21 pm IST)