Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મુંબઈમાં બહુ મોટી તબાહી નહિં મચાવે 'નિસર્ગ'

મહારાષ્ટ્રથી આગળ વધ્યા બાદ વાવાઝોડુ નબળુ પડતુ જશે અને ઉત્તર - પૂર્વ દિશામાં આગળ વધશે : દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ અને ભાવનગર, અમરેલી, સોમનાથ, જૂનાગઢ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં : જોરદાર અને સૌરાષ્ટ્રના અન્યત્ર સ્થળોએ છુટોછવાયો વરસાદ પડશે

નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્રના તટ ઉપર બપોરે ૧:૩૦ વાગ્યે ત્રાટકયુઃ જેની ગંભીરતા દર્શાવતી હવામાન ખાતાની લેટેસ્ટ તસ્વીર.

રાજકોટ, તા. ૩ : વાવાઝોડુ 'નિસર્ગ' ભલે ગુજરાતમાં એન્ટ્રી કરવાનું નથી, પરંતુ તેની અસર તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ લખાય છે ત્યારે વાવાઝોડુ 'નિસર્ગ' મહારાષ્ટ્રમાં લેન્ડફોલ કરી દીધુ છે. અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે. વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. દરિયામાં ઉંચા - ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરમિયાન આ વાવાઝોડુ મુંબઈ શહેરમાં બહુ મોટી તબાહી નહિં મચાવે તેવું હાલના અનુમાનમાં જાણવા મળી રહ્યુ છે.

આજે બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ વાવાઝોડુ 'નિસર્ગ' મહારાષ્ટ્રમાં ત્રાટકયુ હતું. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં તોફાની પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. ૧૦૦ કિ.મી.થી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મુંબઈવાસીઓ માટે થોડા રાહતના સમાચાર મળે છે કે મુંબઈ શહેરમાં વાવાઝોડાની અસર તો થશે પરંતુ ખાનાખરાબી ઓછી સર્જાશે.

આ વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં વધુ અસર કરશે જયારે સૌરાષ્ટ્રના અન્યત્ર સ્થળોએ છુટોછવાયો વરસાદ પડશે. જો કે કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં આ વાવાઝોડાની કોઈ અસર જોવા મળશે નહિં.

મહારાષ્ટ્રથી આગળ વધ્યા બાદ આ વાવાઝોડુ નબળુ પડતુ જશે. હીટ થયા બાદ ડિપ્રેશન અને બાદમાં ડિપડિપ્રેશનમાં ફેરવાશે ત્યારબાદ ઉત્તર - પૂર્વ દિશા તરફ આગળ વધશે.

ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૨૪ કલાક બાદ વરસાદ શરૂ થશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને ૨૪ કલાક બાદ ભોપાલમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

ગુજરાતમાં આ 'નિસર્ગ' વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે, પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(4:20 pm IST)