Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રિયલ્ટી સેકટરને દોડતુ કરવા

સરકાર સ્ટેમ્પ ડયુટી- રજીસ્ટ્રેશન ચાર્જ ઘટાડશે

રાજય સરકાર ૧ થી ૩ ટકાનો ઘટાડો કરવા વિચારે છેઃ જંત્રીના દરમાં કોઇ ફેરફાર નહિ થાય

નવી દિલ્હી, તા.૩: બાંધકામ ક્ષેત્રને ધમધમતું કરવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાં ૧-૩ ટકાનો ઘટાડો કરવાનું વિચારી રહી છે. જોકે, સરકાર સામે મોટો પડકાર એ છે કે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ પેટે તેને મોટી આવક થાય છે, અને લોકડાઉનમાં સરકાર આમેય આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. હસમુખ અઢિયા કમિટિએ પણ પોતાની ભલામણોમાં મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડતા રિયાલ્ટી સેકટરને સહાયતા કરવાની વાત કરી છે.

છેલ્લા ઘણા સમયથી ઓછી ડિમાન્ડનો સામનો કરી રહેલા રિયાલ્ટી સેકટરની હાલત લોકડાઉનમાં પડતા પર પાટું વાગવા જેવી થઈ છે. તેવામાં સ્ટેમ્પ ડ્યૂટીમાં જો દ્યટાડો થાય તો ડિમાન્ડ વધે તેવી આશા બિલ્ડરો રાખીને બેઠા છે. એક સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, અઢિયા કમિટિની ભલામણો અને બિલ્ડરોના ફીડબેકને ધ્યાનમાં રાખી સરકાર નવા પ્રોપર્ટીના સ્ટેમ્પ રેટ અને રજિસ્ટ્રેશન રેટ ઘટાડે તેવી શકયતા છે.

એફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં ૨-૩ ટકા જેટલી રાહત આપી શકે છે, અને રજિસ્ટ્રેશન ફી જે હાલ છ ટકા છે તેમાં પણ ઘટાડો કરી શકે છે. જે પ્રોપર્ટી એફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં નથી આવતી તેને પણ સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાં એક ટકા જેટલું કન્સેશન અપાઈ શકે છે.

કોરોના શરુ થયો તે પહેલા જ સરકારે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જિસ તરીકે થતી આવકમાં ઘટાડાનો અંદાજ વ્યકત કર્યો હતો. ૨૦૧૮-૧૯ના બજેટમાં આ આવક ૮,૯૭૨ કરોડ રુપિયા અંદાજવામાં આવી હતી, જેને ઘટાડી ૨૦૧૯-૨૦માં ૮૭૦૦ કરોડ કરાઈ હતી.

આ મામલે ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહે જણાવ્યું હતું કે અગાઉ પણ આ મામલે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, અત્યારે પણ સરકાર જો આ અંગે નિર્ણય લે તો તેનો સીધો લાભ ઘર ખરીદનારા લોકોને થશે. તેનાથી રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ વધશે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ સેકટર પર લાગતા જીએસટીમાં પણ ઘટાડો કરવાની જરુર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં રિયાલ્ટી સેકટર પર ખૂબ જ અસર થઈ હોવાથી જંત્રીના દરમાં ફેરફાર કરવાનું સરકારે હાલ મોકૂફ રાખ્યું છે.

(10:08 am IST)