Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પ્રેશર કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ટેટાની લડી મૂકીને એને ગરમ કરો તો શું થાય?

લંડન તા. ૧૦: કહેવત છે કે ગાંડાનાં કાંઇ ગામ ન વસે. એ વાત આ ભાઇને બરાબર લાગુ પડે છે. સસ્તી પ્રસિદ્ધિ માટે આજકાલના જુવાનિયાઓ ટિકટોક પર કોઇપણ પ્રયોગ કરતા ફરે છે. કયારેક તેમના એવા અખતરા જોઇને વિચાર આવે કે આવું અળવીતરૃં કામ લોકોને સુઝતું કેવી રીતે હશે? આ વિડિયો બે પાર્ટમાં બન્યો છે. પહેલા પાર્ટમાં એક યુવક કુકરમાં ૧૦૦૦ લવિંગિયા ફટાકડાની લડી ગોઠવી રહ્યો છે અને તેની સાથે તેનો એક સાથીદાર પણ છે, જે તેને સૂચન કરી રહ્યો છે. પહેલા વિડિયોમાં તેઓ ચર્ચા કરે છે કે ટેટાને ગરમ કરવા મૂકો ત્યારે એના પર સીટી ભરાવેલી રાખવી કે નહીં? આખરે સીટી નહીં રાખવાનું નકકી થાય છે. એ પછી કુકરમાં ટેટાની લડી મૂકયા પછી કૂકરને ચૂલો પર મૂકી દેવામાં આવે છે. ગરમ થતાં જ કુકરના શું હાલ થાય છે એ જોવા માટે તેઓ દૂર નાસી જાય છે. એકદમ ખુલ્લા વાતાવરણમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

બીજા પાર્ટમાં કુકરમાં ફટાકડા ફૂટવાથી શું થાય છે એ જોવા મળે છે. ફટાકડામાં આગ લાગતાં જ કુકર ફાટે છે અને એમાંથી ધડાધડ ફટાકડા ફૂટે છે. આ વિડિયો સ્લો-મોશનમાં બેથી ત્રણ એન્ગલમાં દેખાડવામાં આવ્યો છે.

જોકે આ અખતરાબાજ આ પહેલાં પણ આવાં ગતકડાં કરી ચૂકયો છે, જેમ કે ગૂંદર અને પાણીનું તથા ઇંડાં અને એસિડનો પણ અખતરો કરી ચૂકયો છે. ટિકટોક પર તેના ૬ લાખ કરતાં વધુ ફોલોઅર્સ છે.

(3:04 pm IST)