Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આફ્રિકા ડેની ઉજવણી કરવા માટે તૈયારીઓ

વાયબ્રન્ટના ભાગરુપે ઉજવણી

અમદાવાદ,તા.૧૬ : નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ ના ભાગરૂપે સૌ પ્રથમવાર આફ્રિકા ડે- આફ્રિકા દિવસની ૧૯ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ ઉજવણી કરાશે. આજે ગાંધીનગર ખાતે આફ્રિકા ડે- આફ્રિકા દિવસના આયોજન અંગે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલએ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આફ્રિકાને સમર્પિત ખાસ એવા આફ્રિકા ડેનું આયોજન કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં કૃષિ અને પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસજે હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસભર ચાલનારા આફ્રિકા દિવસનો ઉદ્દઘાટન સમારંભ ૧૯મી જાન્યુઆરીના રોજ સવારે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કરશે. મંત્રીએ ગુજરાત-આફ્રિકા સાથેના વેપાર અંગેની માહિતી આપતાં કહ્યું, ગુજરાત હાલમાં આફ્રિકાના ૫૪ દેશોમાંથી ૫૧ દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૧૯.૬ બિલિયન અમેરિકન ડૉલરની હતી. છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાંથી આફ્રિકન દેશોમાં થતી કુલ નિકાસ બમણાથી વધુ થઈ છે. આફ્રિકાના દેશોમાં ગુજરાતમાંથી થતી નિકાસ આશરે ૩૦% હિસ્સો ધરાવે કરે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમગ્ર આયોજન સરળતાથી થઈ શકે એ માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર ઑફ કોમર્સને ભાગીદાર સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે આ નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો ભાગીદાર દેશો બન્યા છે. જે આફ્રિકા ખંડમાંથી બે દેશો પ્રથમવાર ભારતના સૌથી મોટા બિઝનેસ સમિટ માટે ભાગીદાર બનનાર છે. આ બાબત સંસાધન સમૃદ્ધ અને ઝડપી વિકાસશીલ ખંડ તરીકે વધતા જતા મહત્વને પ્રથાપિત કરે છે. આ સમિટ માટે આશરે ૮૦૦ જેટલા ભારતીય વેપારીઓની થયેલી નોંધણી સાથે આશરે ૧૮૦ થી વધુ આફ્રિકન વેપાર ઉદ્યોગના અગ્રણીઓએ જોડાવાની ખાતરી આપી છે.

(8:19 pm IST)