Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વાઇબ્રન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરતા રૂપાણી, ૧૮મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે ઉદઘાટન

કાલે અમદાવાદ ફેસ્ટીવલના શુભારંભમાં નરેન્દ્રભાઇની હાજરી

અમદાવાદ તા.૧૬: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કાલથી ૩ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ કાલે બપોર બાદ ગાંધીનગરમાં વૈશ્વિક વ્યાપાર મેળાનું અને અમદાવાદમાં દુબઇ જેવા શોપીંગ ફેસ્ટીવલનું ઉદઘાટન કરશે.

તા.૧૮મીએ ગાંધીનગરમાં ૩ દિવસીય વાઇબ્રન્ટ સમિટ ખૂલ્લી મૂકશે જેની તૈયારીઓનું ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નિરીક્ષણ કર્યુ હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આ વખતે ૩૦ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કર્યુ છે. ૨૬ હજારથી વધુ કંપનીઓ ઉપરાંત ૧૧૫ દેશોમાંથી ડેલિગેશન વાયબ્રન્ટ ગુજરાતનો હિસ્સો બની રહ્યાં છે જેમાં ૧૫ પાર્ટનર કન્ટ્રીનો  સમાવેશ થાય છે. વાયબ્રન્ટ ગુજરાતમાં આ વર્ષે સાયન્સ સિટીમાં યોજાનારા ફયુચરિસ્ટિક ટેકનોલોજી સેમિનાર ઉપરાંત શોપિંગ ફેસ્ટીવલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

રિવરફ્રન્ટ પર આયોજીત આફ્રિકા ડેની ઉજવણી વાયબ્રન્ટ ગુજરાતની શોભામાં ચાર ચાદ લગાવશે. આ ઉપરાંત ૪૫ ગ્લોબલ સીઇઓ સાથે વિકાસના ફંડ અંગેનો સેમિનાર પણ આકર્ષણ જન્માવશે.

મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અન્ય દેશના વડાપ્રધાન-રાષ્ટ્રપ્રમુખો સાથેની વન ટુ વન બેઠકો માટે અલાયદી લોન્જ ઉભી કરાઇ છે પાર્ટનર કન્ટ્ર માટે પણ લોન્જ બનાવવામાં આવી છે. તા.૨૦મીએ સમાપનમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયાનાયડુ ઉપસ્થિત રહેશે.

ગ્લોબલ ટ્રેડ શોમાં ય બાયર સેલર મીટનુ આયોજન કરાયું છે વાયબ્રન્ટ ગુજરાત સમિટને પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદેશી મહાનુભાવોની સુરક્ષાને પગલે ડ્રોન સહિતના સાધનોને ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.(૭.૧૮)

(3:55 pm IST)