Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

એર એમ્બ્યુલન્સ અને હેલિપેડની સુવિધા સાથેની ૧૮ માળની હોસ્પિટલનું નરેન્દ્રભાઇ કાલે કરશે લોકાર્પણ

અમદાવાદમાં બનેલી ન્યુમેટિક સૂટ સિસ્ટમ સાથેની દેશની પહેલી પબ્લિક હોસ્પિટલમાં એક સાથે ૯૦ કન્સલ્ટન્ટ ડોકટરો OPDમાં દર્દીઓને તપાસશેઃ ૧પ૦૦ બેડની આધુનિક હોસ્પિટલમાં ૩૨ ઓપરેશન થિયેટર છે

અમદાવાદ, તા.૧પઃ દેશમાં પહેલી વાર પબ્લિક હોસ્પિટલમાં ન્યુમેટિક સૂટ સિસ્ટમ સાથે અમદાવાદમાં તૈયાર થયેલી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇના  ડ્રીમ પ્રોજેકટ સમી આ હોસ્પિટલ અમદાવાદમાં તૈયાર થઇ છે. સંભવતઃ ગુજરાતની આ સૌથ મોટી પબ્લિક હોસ્પિટલ બની રહેશે જેમાં એકસાથે ૯૦ કન્સલ્ટન્ટ ડોકટરો OPDમાં દર્દીઓને તપાસશે. અહીં ૨૦ સ્પેશ્યાલિસ્ટ વિભાગ હશે. એક રોગની સારવાર માટે અલગથી ૩૦ બેડ સાથેનો જનરલ વોર્ડ હશે જેમાં એ જ રોગની સારવાર ઉપલબ્ધ થશે. OPD માં ૧પ૦૦ જેટલા પેશન્ટ અને તેમનાં રિલેટિવ્સ બેસી શકે એવો વિશાળ વેઇટિંગ એરિયા બનાવ્યો છે અને ટોકન સિસ્ટમથી OPDમાં સારવાર મળશે જેથી ભીડ ન થાય. ૧પ૦૦ બેડની આ આધુનિક હોસ્પિટલમાં ૩૨ ઓપરેશન થિયેટર હશે.જનરલ વોર્ડમાં સ્પેશ્યલ વોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેમાં પહેલી વાર પબ્લિક હોસ્પિટલમાં અટેન્ડન્ટ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જનરલ વોર્ડમાં ૩૦ બેડ હશે અને અલગ-અલગ કયુબમાં આ ૩૦ બેડ હશે જેથી દર્દીઓને મોકળાશ રહેશે. જનરલ હોસ્પિટલમાં દર્દીના સગાને બેસવા માટે મુશ્કેેલી પડતી હોય છે ત્યારે આ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં બેડની પાસે જ દર્દીના સગા માટે અટેન્ડન્ટ બેડની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ હોસ્પિટલની ખાસ વિશેષતા એ છે કે જે-તે જનરલ વોર્ડમાં એક જ રોગના દર્દીઓ હશે. જેમ કે જનરલ સર્જરી, મેડિસિન, ડર્મેટોલોજી સહિતના રોગના અલગ જનરલ વોર્ડ હશે.

સરકારી હોસ્પિટલોમાં ગુજરાતની આ પહેલી એર એમ્બ્યુલન્સની સુવિધા સાથે અને હેલિપેડની સુવિધા સાથેની ૧૮ માળની સૌથી ઊંચી હોસ્પિટલ શરૂ થશે.(૨૩.૨)

ન્યુમેટિક સૂટ સિસ્ટમ શું છે?

આ હોસ્પિટલ ૧૮ માળની છે જેમાં એડમિટ કરેલા દર્દીના બધા જ રિપોર્ટ, મેડિસિન સહિતની દર્દીને લગતી વસ્તુઓ ઝડપથી મળી શકે એ માટે પબ્લિક હોસ્પિટલમાં ભારતમાં પહેલી વાર ન્યુમેટિક સૂટ સિસ્ટમ મુકાઇ છે. આ સિસ્ટમ અંતર્ગત એક કયુબમાં દર્દીઓના લેબ રિપોર્ટ, દવાઓ સહિતની વસ્તુઓ માત્ર ૨૦થી ૩૦ સેકન્ડમાં દર્દીના બેડ સુધી પહોંચી જશે, જેથી પેશન્ટનાં રિલેટીવ્સને હાડમારી ન થાય તેમ જ દવાઓ કે રિપોર્ટ લેવા માટે ઉપરથી નીચેના ફલોર પર કે લેબ સુધી દોડાદોડી ન કરવી પડે.

(12:47 pm IST)