Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમદાવાદ હોટસ્પોટ બની ગયું : વધુ ૪૪ કેસો નિકળ્ય

ગુરુવારે ૫૮ કેસ બાદ શુક્રવારે ૪૪ કેસ ખુલ્યા : સરકારી દવાખાનાના મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ નવા વાડજ કિરણ પાર્ક વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન થયો

અમદાવાદ,તા.૧૦  :  અમદાવાદ શહેર જાણે કોરોના વાયરસનું હવે સંવેદનશીલ હોટસ્પોટ બની ગયું છે અને રોજ સૌથી વધુ કેસો પણ અમદાવાદમાં જ સામે આવી રહ્યા છે. આજે પણ અમદાવાદમાં ૪૪ નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતાં શહેરના કુલ પોઝિટિવ કેસોના આંક ૧૯૭ થયો છે, જેને લઇ હવે અમ્યુકો, સ્થાનિક આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર દોડતુ થયુ છે તો સાથે સાથે નાગરિકોમાં પણ હવે કોરોનાને લઇ એક ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલી શ્રીહરિ સોસાયટીમાં રહેતા સરકારી દવાખાનાના મહિલા ડોક્ટરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને પગલે તેઓ રહેતા હતા તે કિરણ પાર્ક વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો છે. પોલીસની ટીમ દ્વારા કેશવ એપોર્ટમેન્ટ સહિતની જગ્યાએ સીલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અહીં સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવશે. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

       ત્યારે શહેરમાં નવા ૪૪ કેસો આવ્યા છે. જેમાં સારવાર કરનાર ડોક્ટર પણ સામેલ છે. આજે વધુ એક દર્દીનું મોત થયું છે. ૪૦ વર્ષીય વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. શહેરમાં અત્યાર સુધી ૧૯૭ દર્દીઓ નોંધાયા છે. જેમાં સાતના મોત થયા છે અને ૯ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોટ વિસ્તારને ક્લસ્ટર અને કેન્ટેમેન્ટ ક્વોરન્ટીન કરાયા બાદ આરોગ્ય વિભાગે પોલીસની મદદથી શંકાસ્પદ દર્દીઓને શોધવાની કામગીરી શરૂ કરી છે. આજે સવારેથી પોલીસ સાથે આરોગ્યની ટીમ કોટ વિસ્તારમાં પ્રવેશીને સેમ્પલ લઈ રહી છે. ગઇકાલે શહેરમાં નોંધાયેલા તમામ ૫૮ કેસ લોકલ ટ્રાન્સમિશનના હતા. 

       સૌથી વધુ નોંધનીય, ગંભીર અને ચિંતાજનક વાત એ છે કે, રાજયમાં કોરોના પોઝિટિવના જે કુલ કેસો નોંધાયા છે, તેમાં ૫૦ટકાથી વધુ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે, જેને લઇ ખુદ રાજય સરકાર, સ્થાનિક આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ ચિંતિત બન્યા છે અને રોજ નવા નવા વિસ્તારો કલસ્ટર કવોરન્ટાઇન કરી રહ્યા છે પરંતુ તેમ છતાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના વાયરસનો ચેપ વધુ ને વધુ લોકો સુધી ફેલાઇ રહ્યો છે.

અમદાવાદમાં આતંક....

અમદાવાદ, તા. ૧૦  : અમદાવાદમાં પણ કોરોના કેસોમાં ચિંતાજનક અને રેકોર્ડ વધારો એક દિવસમાં થયો છે. આની સાથે જ દહેશત વધી ગઇ છે. આજે અમદાવાદમાં ૪૪ કેસો એક સાથે પોઝિટીવ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૯૭ ઉપર પહોંચી ગઇ છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

કુલ કેસોની સંખ્યા

૧૯૭

છેલ્લા ૨૪ કલાકમાં કેસો

૪૪

કુલ મોત

૦૭

શહેરમાં ક્લસ્ટર વિસ્તારો

૧૪

આઈસોલેશન સેન્ટર

૦૩

જમાતના લોકોની ઓળખ

૦૩

પોઝિટિવ આવ્યા

૦૧

 

(9:29 pm IST)