Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ખુદને નિહાળી રહેલા લંકેશ અરવિંદ ત્રિવેદી : રામાયણ સિરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અરવિંદ ત્રિવેદી રામના અનન્ય ભક્ત:ઘરમાં જ રામની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી

(પ્રભુદાસ પટેલ દ્વારા) મોટી ઇસરોલ : સાબરકાંઠાના ઇડર તાલુકાના કુકડીયા ગામના પનોતા પુત્ર,ગુજરાતી ચલચિત્ર જગતના પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ
સાંસદ અરવિંદ ત્રિવેદીએ આજથી 32 વર્ષ અગાઉ રામાનંદ સાગર નિર્મિત રામાયણ સીરિયલમાં લંકેશ(રાવણ)ની ભૂમિકા પ્રભાવી રીતે અદા કરી હતી એમના પાત્રમાં હૂબહૂ લંકેશનો જોશ અને ઝૂનૂનને કારણે તેઓ લંકેશ તરીકે લોકોમાં ખ્યાતિ પામ્યા હતા.હાલ તેઓ મુંબઈ ખાતે છે .
 કોરોના વાયરસને લઈને વિશ્વ પીડિત છે અને અત્ર, તત્ર,સર્વત્રજ્યારે કોરોના એનો કેર વર્તાવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન  જાહેર કરતા અને લોકો ઘરોમાં રહીને સમય પસાર કરી રહ્યા છે ત્યારે આ સમય દરમિયાન સવાર-સાંજ બે સમય આ પ્રસિદ્ધ રામાયણ સિરિયલનું પુનઃ પ્રસારણ ચાલુ કરવામાં આવ્યું છે.1978-79માં આ સિરિયલ નહિ જોઈ શકનાર આજની નવી પેઢીને માટે પણ  ધર્મ,સંસ્કાર,ભાઈચારો અને પારિવારિક સ્નેહ,મર્યાદાના ગુણોને ઉજાગર કરતી આ આ સિરિયલ નવી પેઢી માટે અણમોલ ભાથું પીરસી રહી છે. સાથે સાથે જેમણે અગાઉ આ સિરિયલ જોઈ છે એવા વયસ્કોને ..મોટેરાઓ..વડીલોને પણ આવા સમયે આ સિરિયલ નિહાળવાનો મોકો મળ્યો છે.સવારે એક કલાક અને રાત્રે 9 વાગે એક કલાક..એમ રોજ બે કલાક રામાયણ જોવાનો મોકો સૌના માટે અનેરો અનુભવાઈ રહ્યો છે.ત્યારે લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી પણ એકેક હપ્તો એમના ઘરે બેસી નિહાળે છે. સીતાજીનું હરણ કરવા જતાં લંકેશે સાધુવેશ ધારણ કરી ભિક્ષા માગતા આ દશ્યમાં લંકેશ પોતે સાધુ પાત્રને નિહાળતા કેમેરામાં કેદ થયા હતા.ઉલ્લેખનીય છે કે રામાયણ સીરિયલમાં લંકેશનું પાત્ર સુપરે ભજવનાર અરવિંદ ત્રિવેદીપોતાના જીવનમાં ભગવાન રામને ઇષ્ટ દેવ તરીકે પૂજે છે અને એમના પ્રત્યે અનહદ શ્રધ્ધાભાવ ધરાવે છે.ઇડર ખાતેના તેમના નિવાસસ્થાને પણ એમણે ભગવાન શ્રી રામનું મંદિર પોતાના પૂજાકક્ષમાં બનાવી શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી છે.

(8:22 pm IST)