Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સાગબારાના ભોર આંબલી ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિની ફરિયાદ બાદ નાટ્યાત્મક તપાસ .?

તા.૧ થી ૩ એપ્રિલ સરકારે મફત અનાજની જાહેરાત કરી પરંતુ ૫૦% અનાજ ઓછું આપી દુકાનદારે ગેરરીતિ કરી હોવાની ફરિયાદ:મામલતદારને ટેલિફોનિક ફરિયાદ બાદ કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ કલેક્ટરમાં ફોન કરતા મામલતદાર દોડી આવ્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: હાલ કોરોના વચ્ચે લોકડાઉનમાં મજૂરીકામ બંધ હોય નર્મદા જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં લોકોને ખાવાના ફાંફા થઈ પડ્યા છે ત્યારે સરકારે મફત અનાજ આપવાની જાહેરાત કરતા મધ્યમ,ગરીબ વર્ગના રેશનકાર્ડના ગ્રાહકોમાં ખુશી જોવા મળી પરંતુ કેટલાક અંતરિયાળ ગામોમાં ચાલતી સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું અપાયું હોવાની બુમો સંભળાઈ હતી જેમાં સાગબારા તાલુકાના ભોર આંબલી ગામમાં ચાલતી સસ્તા અનાજ ની દુકાનમાં કાર્ડ ધારકોને સરકારની જાહેરાત કરતા ૫૦% અનાજ ઓછું અપાયું હોવાની ફરિયાદ નજીકના મોટી દેવરૂપણ ગમના જાગૃત નાગરિક નરેન્દ્ર પાડવી અને અન્ય ગ્રામજનોએ સાગબારા મામલતદારને ટેલિફોનિક કરવા છતાં કોઈ પગલાં ન લેવાય બાદ ગ્રામજનો એ સીધો નર્મદા કલેક્ટર માં ફોન કરતા મામલતદાર ત્યાં દોડી ગયા હતા અને ૫૦ થી વધુ પરિવારોના જવાબો લીધા પરંતુ તપાસ બાદ કોઈ પગલાં લેવાય ન હોય આ તપાસ જાણે નાટ્યાત્મક કરી હોવાનું ગ્રામજનોનું કહેવું છે.ત્યારે કલેક્ટર આ બાબતે પગલાં લે તેવી ગ્રામજનોની માંગ છે.
આ બાબતે ફરિયાદ કરનાર મોટી દેવરૂપણ ગામના નરેન્દ્ર પાડવી એ જણાવ્યું કે સરકાર મફત અનાજ ની જાહેરાત કરે એ ગરોબો માટે આવા સમયે સારી વાત છે પરંતુ દુકાનદારે અમને સરકારની વ્યક્તિ દીઠ અનાજ આપવાની કરેલી જાહેરાત કરતા અડધું જ અનાજ આપ્યું હતું અને મામલતદાર તપાસ માં આવ્યા કેટલાય પરિવારોના જવાબો લીધા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી
આ બાબતે સાગબારા મામલતદાર રાજુભાઇ વસાવા એ જણાવ્યું કે અમને ફરિયાદ મળ્યા બાદ અમે જવાબો લઈ તેનો રિપોર્ટ ઉપર મોકલી આપ્યો છે પરંતુ કાર્ડ ધરાવતા પરિવારો ના જવાબમાં ગેરરીતિ જણાઈ કે નહીં એ બાબતે પૂછતાં તેમણે રિપોર્ટ ઉપર મોકલ્યો છે.તેટલું જ જણાવી ગેરરીતિ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું

(8:57 pm IST)