Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

શ્રી ઉપરિયાળા તીર્થના જિર્ણોદ્ધાર માટે સક્ષમ સંઘો અને આરાધકોને વધુ પ્રમાણમાં અનુદાન આપવા અપીલ કરાઇ

અમદાવાદ, વિરમગામ, પાટડી, સુરેન્દ્રનગર, શંખેશ્વર સહિત આસપાસના મુખ્ય મથકો પરથી શ્રી ઉપરિયાળા તીર્થ માટે એસટી બસ સેવા નિયમીત ચાલુ કરવા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં રજુઆત

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રી ઉપરિયાળા તીર્થમાં કાચની કલાત્મક કારીગરીવાળા સુંદર જિનાલયમાં સંપ્રતિકાલીન અતિ પ્રાચીન પ્રગટ પ્રભાવી ચમત્કારીક સાચા દેવ પ્રથમ તીર્થકર શ્રી આદિશ્વર ભગવાનની ચંદનવર્ણ પદ્માનસ્થ લગભગ ૭૬ સે.મી.ની પ્રતિમાજી બિરાજમાન છે. બાજુમાં ચંદનવર્ણના શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી નેમિનાથ પ્રભુ બિરાજમાન છે. શ્રી ઉપરિયાળા તીર્થ પંદરમી શતાબ્દી પહેલાનું આ તીર્થ મનાય છે. કારણ કે ઉપાધ્યાય શ્રી જયસાગરજી મ.સો. દ્વારા લીખીત “ચૈત્યપરિપાટી' માં આ તીર્થનો ઉલ્લેખ આવેલ છે. ૧૬મી શતાબ્દીમાં અહીંના શ્રાવકો દ્વારા ઘણી જગ્યાએ જિન મંદિરોના નિર્માણ તેમજ પ્રતિમાજી પધરાવ્યાના ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી શતાબ્દીમાં રચાયેલ “તીર્થમાળા''માં પણ આ તીર્થનું વર્ણન છે. ૧૫૦ વર્ષથી અડીખમ ઉભેલ સંપ્રતિકાલીન પ્રતિમાઓથી શોભતા અને કાચની કલાત્મક સુંદર કામગીરીથી યુક્ત પ્રાચીન જીન મંદિર એવા આ જૈન તીર્થના ઉદ્ધાર જિર્ણોદ્ધારમાં સહભાગી બનવાનું સદ્ભાગ્ય આપણને સાંપડ્યું છે. તીર્થોની જાળવણી એ ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. અમૂલ્ય ઐતિહાસિક વારસાને જાળવવો તે નૈતિક ફરજ છે. આપણા પૂર્વજોની તીર્થભક્તિ અને તીર્થ સંરક્ષણની તમન્ના તથા તેઓએ રોપેલ ધર્મના બીજ ભવિષ્યની પેઢીમાં વિસ્તરે તે જોવાનું કામ આપણું છે. વર્તમાન સમયમાં જિનાલયના જિર્ણોદ્ધારની ખૂબ જ આવશ્યકતા છે. સંપ્રતિકાલિન પ્રતિમાઓથી શોભતા આ તીર્થના જિર્ણોદ્ધાર માટે સક્ષમ સંઘો અને આરાધકો ને વધુ પ્રમાણમાં અનુદાન આપવા વિનંતી કરીએ છીએ. આપણે સૌ સાથે મળીને આ ભવ્ય પ્રાચીન તીર્થનો જિર્ણોદ્ધાર કરીએ એ જ આશા. તેમ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીઉપરીયાળા તીર્થના ડૉ. ભૂપેશ ડી શાહ એ જણાવ્યુ હતુ.
  સૌરીન શાહએ જણાવ્યુ હતુ કે, શ્રી ઉપરિયાળા તીર્થમાં આરાધકો સરળતાથી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા એસ.ટી બસની પુરતી વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. અમે અમદાવાદ,  વિરમગામ, પાટડી, સુરેન્દ્રનગર, શંખેશ્વર સહિત આસપાસના મુખ્ય મથકો પરથી શ્રી ઉપરિયાળા તીર્થ માટે એસટી બસ સેવા નિયમીત ચાલુ કરવા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં રજુઆત કરેલ છે. 

(6:33 pm IST)