Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વડોદરામાં ભાજપે ટિકીટ ન આપના મધુ શ્રીવાસ્‍તવના પુત્રએ અપક્ષ તરીકે ઝંપલાવ્‍યુઃ કોંગ્રેસ દ્વારા ટિકીટની ઓફર કરાયાનો ઘટસ્‍ફોટ

વડોદરા: ભાજપે ટિકિટ ન આપતા વડોદરાના દીપક શ્રીવાસ્તવે પક્ષ સામે બળવો કર્યો છે. ભાજપે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવના નારાજ પુત્ર દીપક શ્રીવાસ્તવે વોર્ડ નંબર 15 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારી કરીને દીપક શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતા મધુ શ્રીવાસ્તવના આશીર્વાદ મારી સાથે છે. કોંગ્રેસે મને ટિકિટની ઓફર કરી હતી, પણ મેં ઠુકરાવી છે. અપક્ષમાં હું જંગી મતથી જીતીશ તેવો મને વિશ્વાસ છે.

દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો પોકાર્યો

દીપક શ્રીવાસ્તવ એક ટર્મ અપક્ષ અને એક ટર્મ ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તેઓએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે. વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા પિતાપુત્ર બંને નારાજ થયા હતા. ત્યારે દીપક શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા વહેતી થઈ હતી. તો બીજી તરફ, કોંગ્રેસે પણ દીપક શ્રીવાસ્તવનો સંપર્ક સાધ્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી રહીને કોંગ્રેસે વોર્ડ નંબર 15 ના ઉમેદવારોની જાહેરાત બાકી રાખી હતી. ત્યારે આ વચ્ચે દીપક શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ભાજપે ટિકિટ કાપતા દીપક શ્રીવાસ્તવ નારાજ છે. પરંતુ આખરે દીપક શ્રીવાસ્તવે અપક્ષ રહીને ઉમેદવારી કરી હતી.

તો દીકરાને ટિકિટ ન આપવા અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે, જેમનાં સગાઓને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે સંસદસભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે. ભાજપમાં 50 ટકા ટિકિટો એવા લોકોને આપવામાં આવી છે, જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે. મારો પુત્ર 10 વર્ષથી કોર્પોરેટર છે. 60 વર્ષથી ઉપર ઉંમર હોય, ત્રણ ટર્મ થઇ ગઇ હોય તો બરાબર છે, પણ મારો પુત્ર યંગ છે. છતાં સગાવાદના નામે ખોટા બહાના કરીને ટિકિટ કાપી એનું દુઃખ છે. દીપકને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, પણ તેમાંથી તે નહીં લડે. તેણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. તે અપક્ષમાંથી જીતશે એ નક્કી છે અને આ વાડી વિસ્તારમાં ખૂબ સેવા કરી છે. અમે દરેક જાતિના લોકોની સેવા કરી છે.

(5:15 pm IST)