Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કલોલની બેંકમાં અમદાવાદના યુવાને 90 લાખની લોન લીધા બાદ હપ્તા નહીં ભરી ઠગાઈ આચરતા ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લાના કલોલમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં કોબા પાસે આવેલી રાજલબ્ધિ હેરીટેજ નામની સ્કીમના ચાર ફલેટ ઉપર અમદાવાદના યુવાને ૯૦ લાખની લોન લીધા બાદ સમયસર હપ્તા નહીં ભરતાં બેંકે આ ચાર ફલેટનો કબ્જો મેળવ્યો હતો અને ત્યારબાદ ખબર પડી હતી કે અમદાવાદની કોર્પોરેશન બેન્ક પાસેથી આખી સ્કીમ ઉપર જ ર૦ કરોડની લોન લેવામાં આવી છે અને જે સ્કીમ ઉપર હાલ કોર્પોરેશન બેન્કનો કબજો છે જેથી બેંકને છેતરાયાનો અહેસાસ થતાં આરોપી યુવાન અને રાજલબ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચરના બે ડાયરેકટર સહિત ચાર વ્યક્તિઓ સામે ૧.૩૬ કરોડની છેતરપીંડીનો ગુનો નોંધાવ્યો છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   

સામાન્ય રીતે બેંકમાં પાંચ પચ્ચીસ હજાર રૃપિયાની લોન લેવા જતાં નાગરિકોને પગના તળીયા ઘસાઈ જતાં હોય છે અને બેંકો દ્વારા અવનવા ડોકયુમેન્ટ માંગવામાં આવતાં હોય છે પરંતુ મોટા લોકો સરળતાથી મસમોટી લોનો લઈને બેંકોને ચુનો ચોપડી રહયા છે. આવી જ ઘટના કલોલની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે બનવા પામી છે. જે સંદર્બે બેંકના મેનેજર અમદાવાદ વંદેમાતરમ ફલેટમાં રહેતા જીનેશભાઈ મનુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે તેમની બેંકમાં વર્ષ ર૦૧૪માં રીતેશ દીલીપભાઈ કોટક રહે.ર૭, અરીહંત બંગલોઝ, ગાલા જીમખાના રોડ બોપલ દ્વારા કોબા ખાતે આવેલી રાજલબ્ધી હેરીટેજ નામની સ્કીમના ચાર ફલેટ ઉપર ૯૦ લાખની લોન લેવા માટે અરજી કરવામાં આવી હતી. આ લોનની પ્રક્રિયા ચાલતી હતી તે દરમ્યાન આ રાજલબ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેકટર સમૃધ્ધિ બંગલોઝ ન્યુ સીજીરોડ ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ રમણલાલ પટેલ અને પ્રકાશ રમણલાલ પટેલ દ્વારા પણ બેંકને ખાતરી આપવામાં આવી હતી કે રીતેશભાઈને આ ચાર ફલેટનો એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે અને ચારેય ફલેટના ટાઈટલ કલીયર અને વેચાણને પાત્ર છે તેમ લખાણ પણ પ્રિતેશ ડી.વકીલ દ્વારા આપવામાં આવ્યું હતું. જેના પગલે બેંકે ૯૦ લાખ રૃપિયાની લોન મંજુર કરી દીધી હતી. ત્યારબાદ શરૃઆતમાં રીતેશભાઈ દ્વારા સમયસર હપ્તા ચુકવાયા હતા પરંતુ હપ્તા નહીં ભરતાં વર્ષ ર૦૧૬માં કાયદાકીય રીતે ફલેટોનો કબજો મેળવી વેચવા માટેની અરજી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મુકી હતી. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વર્ષ ર૦૧૭માં બેન્કને કબજો સોંપવાની સાથે તેની હરાજી કરવાનું નક્કી થયું હતું. આ જ સમયે કોર્પોરેશન બેન્ક શાહીબાગ શાખા દ્વારા  હરાજી ઉપર રોક લગાવી જણાવાયું હતું કે આખેઆખી સ્કીમ ઉપર જ ર૦ કરોડની લોન લેવામાં આવી છે અને બેન્કના તારણમાં છે. ત્યારે યુનિયન બેન્ક સાથે ૯૦ લાખની લોન લીધા બાદ આ ચાર શખ્સોએ હપ્તા અને વ્યાજ મળી ૧.૩૬ કરોડની છેતરપીંડી કર્યા સંદર્ભે કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(4:46 pm IST)