Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કલોલના મોટી ભોયણથી શેરીસા જવાના રસ્તામાં રોંગ સાઈડમાં આવતી કારે બાઇકને હડફેટે લેતા ત્રણ યુવાનો પૈકી એકનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલના મોટી ભોયણથી શેરીસા રોડ ઉપર રોંગસાઈડમાં આવતી કારે જેઠલજના બાઈક સવાર ત્રણ યુવાનોને અડફેટે લીધા હતા. જે પૈકી એક યુવાનનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જે સંદર્ભે યુવાનના પિતાની ફરીયાદના આધારે સાંતેજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.      

જિલ્લાના હાઈવે માર્ગોની સાથે આંતરિક માર્ગો ઉપર પણ અકસ્માતના બનાવો સતત વધી રહયા છે. ગતિ મર્યાદાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં થતાં અકસ્માતમાં મૃત્યુદર પણ ચિંતાજનક રીતે વધ્યો છે. ત્યારે કલોલના મોટી ભોયણથી શેરીસા જતાં રોડ ઉપર રોંગ સાઈડ આવતી કારની ટક્કરે જેઠલજના યુવાનનો ભોગ લેવાયો હતો. જે સંદર્ભે વજાજી બાદરજી ઠાકોરે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ર૬ વર્ષીય પુત્ર ચમનજી તેના મિત્ર ખોડાજી પુંજાજી ઠાકોર અને અજમલજી સાથે બાઈક નં.જીજે-૧૮-ડીએચ-૨૪૯૫ લઈને ઈન્દ્રાડ ખાતે લગ્નમાં જઈ રહયા હતા તે દરમ્યાન અજમલજી બાઈક ચલાવી રહયો હતો અને મોટી ભોયણથી શેરીસા રોડ ઉપર શેરીસા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા કલોલ તરફથી કાર નં.જીજે-૧૮-બીકે-૮૪૯૭નો ચાલક પુરઝડપે આવી રહયો હતો અને રોંગ સાઈડમાં આ બાઈકને અડફેટે લેતાં ત્રણેય યુવાનો નીચે પટકાયા હતા. જેથી ચમનજીને વધુ ઈજાઓ પહોંચતા સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જેથી સાંતેજ પોલીસે કારના ચાલક સબીરભાઈ હાજીભાઈ ઘાંચી સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(4:45 pm IST)