Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વડોદરા:પાણીગેટ વિસ્તારમાં વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે યુવકને ખંજર સાથે ત્રણ લાખની રોકડ લઇ જતા જપ્ત કર્યો

વડોદરા:ભૂતકાળમાં ચૂંટણી ટાણે ગુપ્તરાહે રૂપિયાની હેરફેરના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે ગઇકાલે પોલીસે વાઘોડિયા રોડ પર  કારમાં  ત્રણ લાખથી વધુની રોકડ અને ખંજર સાથે પસાર થતા યુવકને ઝડપી પાડ્યો હતો અને આ રકમ કઈ રીતે આવી તેમજ નાણાંનો ઉપયોગ કયા કામમાં કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પાણીગેટ પોલીસ મથકના જવાનો ગઈકાલે વાઘોડિયા રોડ વૈકુંઠ સોસોયટીના નાકા ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા . તે સમયે મોડી રાત્રે કારમાં શંકાસ્પદ વ્યક્તિ જણાતા પોલીસે કારને  રોકી હતી.  પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલકે પોતાનું નામ ગનુભાઈ કાળુભાઈ ભરવાડ (રહે-જલારામ નગર, વાઘોડિયા રોડ, વડોદરા)  હોવાનું બહાર આવ્યું હતું.

કારમાં તપાસ કરતા ડ્રાઇવર સીટની બાજુમાં કવર માં મૂકેલું ખંજર , રિવોલ્વર જેવું લાઇટર , રૂપિયા ૨૬ હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને 500 તથા 100ના દરની 3,09,500 કિંમતની  નોટો મળી આવી હતી . આ રૂપિયા બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહતો. જેથી પોલીસે કાર સહિત 9,36,200ની મતા કબ્જે કરી આરોપીની જીપીએ 135 હેઠળ અટકાયત કરી વધુ તપાસ આરંભી છે.

(4:41 pm IST)