Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વાદે (વચનો) મેં સજકે અપને મતદાતાઓ સે દેખો પ્રત્યાશી ચલે મિલને...

મહાનગરોમાં પ્રચારના 'ઘોડા' હણહણ્યાઃ ઉમેદવારોની સવારી

મંગળવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચાર વેગ પકડશેઃ રેલી, સભા, સંમેલનોની તૈયારીઃ રાજકીય ગરમાવો

રાજકોટ તા. ૬ :.. રાજયમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર રજુ કરવાનો છેલ્લો દિવસ છે. સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા. ૯ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તે જ દિવસે બપોર પછી ચંૂટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. રાજકીય પક્ષોના ઉમેદવારો નકકી થઇ જતા પ્રચારના ઘોડા હણહણ્યા છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચાર વેગ પકડશે.

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરેએ પક્ષના નામે પ્રચાર અગાઉથી જ શરૂ કરી દીધેલ. હવે ઉમેદવારોના નામ સાથે પ્રચાર શરૂ થઇ ગયો છે. તા. ર૧ મીએ મતદાન છે. ૧૯મીએ જાહેર પ્રચાર બંધ થશે. ઉમેદવારો માટે હવે બે અઠવાડીયાથી પણ ઓછો સમય રહયો હોવાથી એક-એક મીનીટ અગત્યની ગણી પ્રચારમાં લાગી જશે. આવતા અઠવાડીયાથી કાર્યાલયોના ઉદઘાટનો, રેલીઓ, સંમેલનો, ગ્રુપ બેઠકો વગેરેનો દોર શરૂ થશે. રીક્ષા, મેટાડોર વગેરે દ્વારા પ્રચાર કરવાની પધ્ધતિ પરંપરાગત રહી છે. જનસંપર્ક પ્રચારનું મુખ્ય માધ્યમ છે.

ચૂંટણી પ્રચારમાં વ્યકિતગત આક્ષેપો પણ થતા હોય છે. સામસામે નિવેદનો અને હાકલા-પડકારા ચૂંટણી પ્રચારની પધ્ધતિ રહી છે. મતદારોને રીઝવવા માટે પક્ષો અને ઉમેદવારો વચનોની લહાણી કરશે. વિકાસના દાવા અને વાદા થશે. ઠંડી ઓછી થતી રહેશે અને પ્રચારની ગરમી વધતી જશે.

(2:31 pm IST)