Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

૬ કોર્પોરેશનોમાં પ૭૬ ઉમેદવારો એક દિ'માં જાહેર કરી ઇતિહાસ સર્જતો ભાજપ

ટીમ પાટીલની ઝડપી નિર્ણય શકિતઃ ઉમેદવાર પસંદગીમાં આમ આદમીને ગમે તેવા ‘સાવરણો' ફેરવ્‍યોઃ નવા માપદંડ પછીની પ્રથમ ચૂંટણી

રાજકોટ તા. ૬ :.. રાજયના ૬ મહાનગરોની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર રજુ કરવાનો આજે અંતિમ દિવસ છે. ગુરૂવારે ભાજપ દ્વારા તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્‍યા છે. પાર્ટીએ ગુરૂવારની બપોરથી સાંજ સુધીમાં ૬ કોર્પોરેશનોની લગભગ તમામ પ૭૬ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરીને ઇતિહાસ સર્જી દીધો છે. ભૂતકાળમાં મહાનગરમાં ઉમેદવારો જુદા જુદા દિવસે જાહેર થતા તેમજ તબકકાવાર જાહેર કરવામાં આવતા હતાં. આ વખતે પ્રથમ વખત બધા નામ ગણતરીની કલાકોમાં જાહેર કરી ગઇકાલે ઉમેદવારી પત્રો રજુ કરાવી દેવામાં આવ્‍યા છે.ઉમેદવાર પસંદગી માટે ૬૦ વર્ષની વય મર્યાદા તથા ત્રણ વખત ટીકિટ મળી ગઇ હોય તેને ચોથી વખત ટીકીટ નહિ વગેરે માપદંડોએ રાજકીય ઝણઝણાટી ફેલાવી દીધી છે. સી. આર. પાટીલ ગયા જુલાઇમાં પ્રમુખ બનેલા. હવે તેમની આગવી કાર્યશૈલીથી કાર્યકરો વાકેફ થવા લાગ્‍યા છે. મકકમ અને ઝડપી નિર્ણય શકિતની ઝલક જોવા મળી રહી છે. ઘણા વર્ષો બાદ કાર્યકરોને સંગઠનનો ભાવ અને પ્રભાવ દેખાવા લાગ્‍યો છે. નવા ચહેરાઓ માટે રાજકીય પ્રગતિના નવા દ્વાર ખૂલ્‍યા છે.

શ્રી પાટીલ પ્રમુખ બન્‍યા પછી મતદાર યાદીના પાના દિઠ સમિતિઓ બનાવવાની રાજયવ્‍યાપી યોજના અમલમાં મૂકેલ. તેના આધારે પ્રથમ વખત ચૂંટણી લડવામાં આવી રહી છે. ઉપરાંત ઉમેદવાર પસંદગીના નવા માપદંડો સાથે પણ પ્રથમ ઉમેદવાર પસંદગીના  પ્રથમ જનાદેશ માંગવા પાર્ટી જઇ રહી છે. કાર્યકરોએ જે નીતિ - નિયમોને સ્‍વીકાર્યા તેને પ્રજા સ્‍વીકારે છે કે નહિ ! તે તો પરિણામ વખતે જ ખબર પડશે.

(11:27 am IST)