Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરતમાં બેન્ડ, બાજા, બારાત પર પ્રતિબંધ: સેનેટાઈઝર દ્વારા થશે વર-વધુના વધામણા

સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે :પ્રસંગમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવાના રહેશે

 

સુરત કલેક્ટર ધવલ પટેલ દ્વારા લગ્નને લઈને કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ 50 વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોના વાઇરસ અનુસંધાને સરકારની તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ગાઈડલાઈન મુજબ, લગ્નની મંજુરી માત્ર લગ્નના દિવસ પુરતી રહેશે. પ્રસંગ માટે વાહનોમાં ફોર વ્હીલરમાં એક ડ્રાઈવર ઉપરાંત 3 વ્યક્તિઓ તેમજ 2 વ્હીલરમાં માત્ર 2 વ્યક્તિઓ પરિવહન કરી શકશે. માટે કોઈ મુક્તિ પાસ આપવાનો રહેશે નહિ તથા કોઈ અલગથી પરવાનગી લેવાની રહેશે નહિ અને મળતી પરવાનગી ફક્ત લગ્ન જેવા સામાજિક પ્રસંગોનું નિયમન કરવા પુરતી માન્ય ગણાશે. લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે. પ્રસંગમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવાના રહેશે.

સુરત શહેરના તમામ જાહેરનામાની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લગ્ન જે તે સમુદાયની ધાર્મિક વિધિ પૂરતા કરવાના રહેશે, માટે વરઘોડો, ફૂલેકું કે માઈક-સ્પીકરો તેમજ દાંડિયા રાસ, સંગીત સંધ્યા વગેરે કાર્યક્રમો રાખવાના રહેશે નહિ. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(11:54 pm IST)