Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

NCP અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા બોસ્કી : સંગઠન માળખુ વિખેર્યુ બાપુ - બબલદાસ પટેલની કાલે પત્રકાર પરિષદ : રાજીનામાનો ઢગલો

પાર્ટીની યુવા વિંગ - IT સેલ - જિલ્લા સંગઠનોમાં પડયા રાજીનામા : શંકરસિંહ બમણા જુસ્સાથી લોકોના પ્રશ્ને લડશે તેવા નિર્દેશો

રાજકોટ તા. ૩ : એન.સી.પી.ના અધ્યક્ષપદેથી બાપુને હટાવી પૂર્વ પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને ફરીથી હાઇકમાન્ડે અધ્યક્ષ નિમતા જ એન.સી.પી.માં ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારા રાજકીય આક્ષેપો સાથે બાપુના સમર્થકો રાજીનામા આપવા ઉપર ઉતરી પડયા છે તે વચ્ચે આજે નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષે પોતાનો ચાર્જ સંભાળી એન.સી.પી.નું પ્રદેશ માળખુ વિખેરી નાખતા બળતામાં ઘી હોમાયુ છે. દરમિયાન શંકરસિંહજી વાઘેલા તથા પૂર્વ કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે ત્યારે બાપુ જુથની ભાવી રણનીતિ અંગે ભારે રાજકીય ઉત્તેજના જાગી છે.

બાપુ સમર્થકો ખૂલ્લેઆમ ચર્ચી રહ્યા છે કે ભાજપ - કોંગ્રેસ તથા એન.સી.પી.ના ચોક્કસ નેતાઓને બાપુની છેલ્લા એક માસ દરમિયાન

ની સક્રિયતા ખટકી હોવાના કારણે રાજકીય પ્રપંચો આદરાયા છે. દરમિયાન આજે બપોરથી જ એન.સી.પી.ના સંગઠન માળખાના હોદ્દેદારો રાજીનામાઓ સુપ્રત કરી રહ્યાના વાવડ મળી રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીના ઢોલ ફરી ધ્રબુકયા છે ત્યારે એન.સી.પી.માં મોટામાથાઓના ઇશારે આંતરીક વિખવાદનો જ્વાળામુખી ચરમસિમાએ પહોંચ્યો છે.

જયંત બોસ્કીની ઓચિંતી નિમણૂંક બાદ બાપુ જૂથ વિફર્યુ છે ત્યારે સોશ્યલ મીડિયામાં ટનાટન સરકાર અને ખેડૂતો, શ્રમિકો, દારૂબંધી હટાવો સહિતના પ્રશ્ને જોરદાર મારો ચલાવાઇ રહ્યો છે.

એન.સી.પી.નો આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે તેની વચ્ચે ગુજરાત પ્રદેશ એન.સી.પી. પ્રમુખ તરીકે નવા વરાયેલા જયંત બોસ્કીએ આજે પ્રમુખપદનો ત્વરીત ગતિએ ચાર્જ સંભાળીને વર્તમાન પ્રદેશ માળખુ વિખેરી નાખતા બળતામાં ઘી હોમાયુ છે.

એક તરફ એન.સી.પી.ની યુવા પાંખ, આઇટી સેલ, જિલ્લા સંગઠનો, પ્રદેશ આગેવાનો ધડાધડ રાજીનામા ધરી રહ્યા છે ત્યારે બીજી તરફ બાપુ પણ આવતીકાલે રાજકીય જંગનો નગારે ઘા ઝીંકવાના હોવાના સ્પષ્ટ ઇશારા સાથે આવતીકાલે સવારે ૧૧.૩૦ કલાકે સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ બોલાવી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કાર્યાલય મંત્રી ખાતેથી અંગત મદદનીશ ભૌતિક ઠક્કર તથા અંગત સચિવ મુકેશ વેદના નામથી પ્રિન્ટ મીડિયા, ફોટોગ્રાફર, ન્યુઝ ચેનલોના પ્રતિનિધિઓને નિમંત્રણ મોકલાયા છે. આવતીકાલની પ્રેસ કોન્ફરન્સને શંકરસિંહજી વાઘેલા તથા એન.સી.પી.ના કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલ સંબોધશે.

શંકરસિંહજી વાઘેલા તથા બબલદાસ પટેલ આવતીકાલે તેમની ભાવી રાજકીય રણનીતિનું એલાન કરશે. એન.સી.પી.ના આંતરિક વિખવાદે અને બાપુ જુથની નારાજગીના કારણે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે.

દરમિયાન બાપુ જુથના સમર્થકોમાંથી મળતા અહેવાલો મુજબ રાજ્યના અત્યંત સંવેદનશીલ પ્રશ્નોને લઇને બાપુ સરકારને છેલ્લા એક માસથી ભીડવી રહ્યા હતા તે ટાંકણે જ ચોક્કસ પરિબળોના ગુપ્ત પ્રયાસોથી એન.સી.પી.ના ઘરમાં જ આંતરિક વિખવાદ જાગતા અને બાપુને રૂકજાવ કહેવા અંકુશ લગાવવાના પ્રયત્નોથી એન.સી.પી.નું ઘર સળગ્યું છે. તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

બાપુના સમર્થકોમાં ચર્ચાતી વિગતો મુજબ વર્તમાન પરિસ્થિતિના કારણે બાપુ બમણા જોશથી કામગીરી કરવાની સિંહગર્જના આવતીકાલે કરી શકે છે. બાપુ એન.સી.પી. નહી છોડે પરંતુ આવતીકાલથી અનેકવિધ નવા અભિયાનો આરંભશે.

બાપુના નિકટવર્તી વર્તુળો એવા ચોંકાવનારા રાજકીય આક્ષેપો કરી રહ્યા છે કે બાપુની સક્રિયતા, ભાજપ, કોંગ્રેસ તથા એન.સી.પી.ના જ અમુક માથાઓને ખૂંચી છે પરંતુ અગાઉ ટનાટન સરકાર આપી લોકોની વચ્ચે રહેલા બાપુ વધુ જોમ, જુસ્સા અને તરવરાટથી રાજ્યના પ્રશ્નોને વાચા આપવા અને રાજકીય સત્યોને ઉજાગર કરવા કામે લાગશે. આવતીકાલે કાંઇક આ મુજબનું જ એલાન થશે.

(4:19 pm IST)