Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વલસાડ જિલ્લામાં હાઇએલર્ટ : ૩૫ ગામોમાંથી ૨૦ હજારનું સ્થળાંતર : ૪૦ એસટી બસો દોડાવાઇ : આજે તમામ ઉદ્યોગો

ફણસામાં NDRFની ટીમ તૈનાત : તિથલ - કોસંબા - હિંગરાજ ગામોમાં રીક્ષા ફેરવાઇ

રાજકોટ તા. ૩ : અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ વાવાઝાડું મહારાષ્ટ્ર અને દમણ થઇને દ.ગુ. ઉપર થી પસાર થવાની શકયતાને લઇ તંત્ર એલર્ટ છે.જો કે હવામાન વિભાગે દ.ગુ.માં વાવાઝોડાની અસર નહિ થાય તેવી આગાહી કરી છે,પરંતું ભારે વરસાદ પડવાની શકયતાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમુદ્રીકાંઠાના ૩૫ ગામોમાં અંદાજિત ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરી જમવાની વ્યવસ્થા કરાઈ છે.હાલ માં વાપી , દમણ , વલસાડ સહિતના ભાગોમાં વરસાદી માહોલ છે, દમણમાં સતત વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ,જોકે ગતરોજથી જ કાંઠા વિસ્તારના ૪ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી દિવસભર ચાલી હતી. જેમાં વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાને લાગૂ ૩૫ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સલામત સ્થળે પહોંચી જવા સૂચના અપાઈ હતી.

તિથલ, કોસંબા, હિંગરાજ સહિતના ગામના સરપંચોએ ગામમાં રિક્ષા ફેરવી રહીશોને સલામત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી અને પ્રાથમિક શાળાઓમાં રહેવા ખાવા પીવાની જરૂરી વ્યવસ્થા કરી દેવાની કામગીરી કરી હતી.

ઉપરાંત તલાટીઓ, સરપંચો, જિ.અને તા.ના સભ્યો, પંચાયત સભ્યોને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરાતા ગામ લોકો પણ સ્થળાંતર કરવા તૈયાર થતાં કિનારાના રહેણાંક વિસ્તારો ખાલી થઇ ગયા હતા. વલસાડ જિલ્લાના કાંઠાના નીચાણવાળા લોકોનું સ્થળાંતર કરવા માટે તંત્રએ ૪૦થી વધુ બસો ફાળવવામાં આવીહતી. ઉમરગામના ફણસા, મરોલીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બસમાં ફણસા વાડિયા હાઈસ્કૂલમાં અને પ્રા.શાળામાં આસરો અપાયો છે. તો કાલયના ૫૦ ઘરોના ૧૫૦થી વધુ લોકોને આશ્રમ શાળામાં રાખવામાં આવ્યા છે. ફણસા ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરી છે.

નિસર્ગ વાવાઝોડાને ધ્યાને લઇ ૩ તાલુકાના કાંઠામાં દરિયા કિનારે લાગૂ વિસ્તારોમાં ૨૦ હજારથી ઉપર લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવાયું છે. જયાં તેમને રહેવા જમવાની સુવિધા પૂરી પડાઇ છે. હાલમાં NDRFની ટિમ અને સ્થાનિક પ્રશાસન ખડેપગે સેવા આપી રહ્યું છે. વાપીમાં વરસાદ પડતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, નિસર્ગ વાવાઝોડાની અસરને લઇને વાપી સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સરકારના મેટ્રોલોજિકલ વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાત સર્જાવાને ધ્યાને રાખી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે મોડી સાંજે બુધવારે ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ રાખવાનો અનુરોધ કરી કામદારો અને કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવા આદેશ કર્યો છે.

રાજયમાં ૪ જિલ્લામાંથી ૨૦ હજાર લોકોને સ્થળાંતર કરાયા : દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ

 નવસારી જીલ્લામાં ૧૧૦ થી ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

 સૌથી વધારે અસર સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં જોવા મળશે.

 સુરત, અમરેલી, ભાવનગર અને વાપીમાં વધારે વરસાદ

 ભાવનગર અને અમરેલી જીલ્લામાં પણ એલર્ટ

 ત્રણથી ચાર કિ.મી. દરીયાઈ વિસ્તાર પાસેના ગામવાસીઓને સ્થળાંતરીત કરાયા. સુરતમાંથી ૧૧૩૫, નવસારીમાંથી ૧૧૯૦૮, વલસાડમાંથી ૬૪૩૮ લોકોને સ્થળાંતર કરાયા. આમ ચાર જિલ્લામાંથી કુલ ૨૦ હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ.

 વલસાડ ખાતે એનડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય.

 સુરત, ભરૂચ, આણંદ - ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર એક એક ટીમ તૈયાર

 વડોદરા અને ગાંધીનગર ખાતે એક એક ટીમ

 વલસાડમાં વધુ બે ટીમ મોકલાશે

 એસડીઆરએફની ટીમો પણ તૈનાત.

(4:09 pm IST)