Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરત - અમદાવાદ લશ્કરના હવાલે થઇ રહયાની પોસ્ટ વાયરલ કરનાર જબ્બે

લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જનાર અંતે પોલીસના પંજામાં : ડીસીપી રાજદીપસિંહ ઝાલા ટીમને સફળતા : નડીયાદના આ પ્રૌઢ શખ્સે, મુખ્યમંત્રી સહિતના સમગ્ર તંત્રને ધંધે લગાડી દીધેલું

રાજકોટ, તા., ૩: કોરોના વાયરસની  સ્થિતિ જયારે પરાકાષ્ઠાએ પહોંચી હતી અને એમબીએ (મને બધુ આવડે) તેવી માનસિકતા ધરાવતા કેટલાક ભેજાબાજો દ્વારા સોશ્યલ મીડીયામાં મનઘડંત પોસ્ટો  મુકવાના સીલસીલામાં સૌથી વધુ ચોંકાવનારી અને ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને  સાતેય કામ પડતા મુકી સ્પષ્ટતા કરવા કવાયત કરવી  પડેલી તેવી પોસ્ટ હતી 'અમદાવાદ ઔર સુરત ચૌદ દિન સેના કે હવાલે'

આ પોસ્ટમાં વિશેષમાં ગુજરાત સરકારની મહત્વની બેઠક ચાલી રહયાનું અને ગમે તે સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સતાવાર જાહેરાત કરશે તે પ્રકારની  ધડ માથા વગરની વાતો હિંદીમાં વર્ણવી હતી. ભેજાબાજ શખ્સે હિંદીમાં કરેલી પોસ્ટમાં એવું પણ જણાવેલ કે, 'હવે કાંઇ નહિ મળે શકય હોય તો સ્ટોક કરી લેજો'

નવાઇની વાત એ હતી કે મુખ્યમંત્રીની સ્પષ્ટતા પછી પણ આ વાયરલ પોસ્ટ ચર્ચામાં જ રહી હતી. તંત્રએ પણ સાવચેતી રાખી તમામ સ્તરેથી આ પોસ્ટને નકારી કાઢી હતી. આવા કપરા સંજોગોમાં આવુ અધમ કૃત્ય આચરનાર સામે સાયબર ક્રાઇમ સેલે ગુન્હો દાખલ કરી, ડીસીપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

ડીસીપી રાજદીપસિંહ ઝાલા ટીમે ટેકનીકલ સર્વેલન્સ આધારે નડીયાદના ૫૦ વર્ષની ઉંમરના આરોપી મહેબુબભાઇ મહમદભાઇની ધરપકડ કરી છે. આમ લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જનાર અંતે પોલીસના પંજામાં આવી ગયો છે.

(11:44 am IST)